Site icon Revoi.in

પાકિસ્તાનમાં હિંદુ મંદિરો પર હુમલાનો સિલસિલો યથાવત્, કટ્ટરપંથીઓએ હિંગળાજ માતા મંદિરમાં કરી તોડફોડ

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિર પર હુમલાની વધુ એક નિંદનીય ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત હિંગલાજ માતા મંદિરમાં કટ્ટરપંથીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. જ્યારે ઇમરાન ખાનની સરકાર દ્વારા મંદિરોની સુરક્ષાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારનો મંદિરો પર હુમલો થયો છે.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી અનેકવાર હિંદુ મંદિરોને કટ્ટરપંથીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. હિંદુ મંદિરો પર હુમલાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. એક તરફ ઇમરાન ખાન સરકાર સબ સલામતના દાવા કરી રહી છે અને બીજી તરફ મંદિરોમાં તોડફોડની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાનના સિંધ પ્રાંતના થાર પાર્કર જીલ્લાના ખત્રી મહોલ્લામાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ હિંગળાજ માતા મંદિરમાં તોડફોડ કરી છે. હુમલાખોરોએ મંદિરમાં રાખેલ તમામ મૂર્તિઓ સહિત દરેક સામાન નષ્ટ કરેલ છે. આપને જણાવી દઇએ કે છેલ્લા 22 મહિનામાં હિંદુ મંદિરો પર આ 11મો હુમલો છે.

ઇસ્લામિક કટ્ટરપંથીઓ સુપ્રીમ કોર્ટ અને પાકિસ્તાનની સરકારથી પણ ડરતા નથી. આ દરમિયાન હિંદુઓએ મંદિર પર હુમલાના વિરોધમાં મોરચો કાઢ્યો તેમજ દોષીઓને વહેલામાં વહેલા પકડવાની માંગ કરી. અહીંયા ધ્યાન દોરનાર બાબત એ છે કે, પાકિસ્તાનના મુસ્લિમ કટ્ટરપંથીઓ અવારનવાર અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળોને નિશાન બનાવે છે.

નોંધનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનની આર્થિક રાજધાની તરીકે જાણીતા કરાંચી શહેરમાં એક હિંદુ મંદિર પર કટ્ટરપંથીઓએ હુમલો કરીને મા દુર્ગાની પ્રતિમા સાથે તોડફોડ કરી હતી. તે ઉપરાંત કરાંચીના નરિયાનપુરા હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો.

Exit mobile version