Site icon Revoi.in

PNB બેંક કૌંભાડના આરોપી મેહુલ ચોક્સીને જેલમાં શિફ્ટ કરવા આદેશ

Social Share

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડના મુખ્ય આરોપી અને કૌભાંડી મેહુલ ચોક્સીને હવે પોલીસ કસ્ટડીમાંથી શિફ્ટ કરીને જેલમાં પહોંચાડી દેવાયો છે. જો કે મેહુલ ચોક્સી હજુ પણ હોસ્પિટલમાં જ છે અને તેની સારવાર ચાલી રહી છે. ડોમિનિકાની કોર્ટે ગુરુવારે આદેશ આપ્યો હતો.

આ અંગે મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે, મેહુલ ચોક્સી પોલીસ કસ્ટડીમાંથી કાઢીને જેલની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે પરંતુ તેની તબિયતમાં સુધારો આવે ત્યાં સુધી તે હોસ્પિટલમાં જ રહેશે.

મેહુલ ચોક્સી પર ભારતમાં પંજાબ નેશનલ બેંકને 13,500 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. મેહુલ ચોક્સી લાંબા સમયથી એન્ટીગુઆમાં હતો પરંતુ મે મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન તે કોઈ રીતે ડોમિનિકા પહોંચ્યો હતો જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ભારત મેહુલ ચોક્સીને પાછો લાવવા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ હાલ ડોમિનિકાની કોર્ટમાં પ્રત્યાર્પણ માટેની સુનાવણી ટળી ગઈ છે.

ભારતની CBI, ED સહિતની અન્ય ટીમો ડોમિનિકા મુદ્દે નજર રાખી રહી છે અને મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટે પ્રયાસો કરી રહી છે. આ તરફ મેહુલ ચોક્સીની લીગલ ટીમ અનુસાર તેનું જાણી જોઇને અપહરણ કરવામાં આવ્યું હતું અને ડોમિનિકા લાવવામાં આવ્યો જેથી એન્ટિગુઆમાં તેને જે લીગલ પ્રોટેક્શન મળતું હતું તે ન મળે અને મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરી શકાય.

Exit mobile version