Site icon Revoi.in

તાલિબાનનો આતંકી ચરમસીમાએ, 6 દિવસમાં 9 પ્રાંત કબજે કર્યા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર અને આતંક ચરમસીમાએ છે. આતંકીઓ સતત નવા નવા વિસ્તારો કબજે કરી રહ્યા છે. તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના નવ પ્રાંતો પર કબ્જો કરી લીધો છે. માત્ર એક જ દિવસમાં ત્રણ પ્રાંત પર વર્ચસ્વ જમાવી લીધું છે.

ઉત્તરપૂર્વી અફઘાનિસ્તાનમાં માત્ર એક જ પ્રાંત આઝાદ છે. જ્યારે બાકીના પર તાલિબાનનો કબજો છે. અફઘાનિસ્તાનમાં કુલ 34 પ્રાંત છે જેમાંથી 9 પર તાલિબાને છ જ દિવસમાં કબજો કરી લીધો છે. જ્યારે બીજી તરફ સૈન્ય હુમલામાં તાલિબાનના 450 જેટલા આતંકીઓનો ખાતમો બોલાવાયો છે.

સૌથી પહેલા છ ઓગસ્ટે તાલિબાને નિમરૂઝ નામના પ્રાંત પર કબજો કરી લીધો હતો. જે બાદ સાતમી તારીખે જેઝવાન, આઠમીએ સર-એ-પુલ, કુંદુઝ, તાખર, નવમી તારીખે સમાનગન, 10મી તારીખે ફરાહ, બાઘલન અને 11મી તારીખે બાદક્શાન પર કબજો કર્યો હતો. જ્યારે હેરાત, હેલમંડ, કંદહાર પ્રાંતમાં હાલ તાલિબાન કબજો કરવાની તૈયારીમાં છે. ડરના માર્યા અફઘાનિસ્તાનના નાણા મંત્રી ખાલિદ પાયંડાએ રાજીનામુ આપીને  દેશ છોડી દીધો છે અને વિદેશ ભાગી ગયા છે. ટ્વિટરના માધ્યમથી તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી.

અફઘાનિસ્તાનનું સૈન્ય હાલ નબળુ સાબિત થઇ રહ્યું છે. એવામાં રાષ્ટ્રપતિ અશરફ ઘાનીએ સૈન્યના સ્ટાફના વડા જનરલ વાલી અહેમદઝાઇને હટાવીને આ પદ જનરલ હિબતુલ્લાહ અલીઝાઇને સોપવામાં આવ્યું છે. જ્યારે ઇયુના એક અિધકારીએ દાવો કર્યો હતો કે હાલ અફઘાનિસ્તાનના આશરે 400 જિલ્લામાંથી 230 પર તાલિબાને કબજો કરી લીધો છે.

હાલ તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજાની તૈયારીમાં છે. કાબુલ તરફના બધા જ હાઇવે પર તાલિબાને કબજો કરી લીધો છે.