Site icon Revoi.in

ચીનમાં શૂન્યની આસપાસ રહ્યો વસતી વધારાનો દર, એક દાયકામાં ચીનની વસતી માત્ર 5% વધી

Social Share

નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ એટલે ચીન. ચીનમાં આ વચ્ચે જોકે એક નવાઇની વાત જોવા મળી છે કે ચીનમાં વસતી વધારાનો દર લગભગ શૂન્ય થઇ ગયો છે. આ વાતથી ખુદ ચીનની સરકારના હોંશ ઉડી ગયા છે.

ચીન અનુસાર, છેલ્લા એક દાયકામાં ચીનની વસતીમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો છે. વસતી ઘટવાને કારણે દેશમાં કામ કરી શકે તેવા લોકોની સંખ્યા ઘટી છે અને વૃદ્વોની સંખ્યા વધી રહી છે. આ કારણોસર વૃદ્વો પાછળ થતો સ્વાસ્થ્ય ખર્ચ પણ વધવાની સંભાવના છે. દેશમાં બાળકોને જન્મ આપનારા દંપતીઓની સંખ્યામાં ઘટાડો વસતી ઘટવાનું મુખ્ય કારણ છે.

ચીનના સ્ટેટેસ્ટિકલ બ્યૂરો અનુસાર, વર્ષ 2020માં પૂરા થયેલા દાયકામાં દેશની વસતીમાં માત્ર 7.20 કરોડનો વધારો થયો હતો. જેના કારણે ચીનની વસતી વધીને 1.41 અબજ થઇ હતી. હાલમાં ચીનનો વાર્ષિક વસતી વધારો 0.53 ટકા એટલે કે શૂન્ય બરોબર છે. ચીને વસતી ઓછી કરવા માટે વર્ષ 1980માં એક બાળકનો કાયદો લાગુ કર્યો હતો.

વસતી ઘટવાથી સરકાર માટે ચિંતાનો વિષય એ છે કે દેશમાં કામ કરી શકે તેવી વયજૂથની સંખ્યા ઘટી રહી છે. જો કે વર્ષ 2017માં ચીને વન ચાઇલ્ડ પોલિસીમાં છૂટછાટ મૂકી હતી છતાં ચીનમાં જન્મદર ઘટી રહ્યો છે. આ સ્થિતિ દેશ માટે સંકટ ઉપસ્થિત કરી શકે છે.

મહત્વનું છે કે, ચીનમાં દર 10 વર્ષે વસતી ગણતરી થાય છે. વર્ષ 2020માં થયેલી ગણતરી ડિસેમ્બરમાં પૂર્ણ થઇ હતી. આ માટે 70 લાખ લોકોને સામેલ કરાયા હતા.

(સંકેત)