Site icon Revoi.in

કેપિટોલ હિલ હિંસા બાદ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો, સમય પહેલા થઇ શકે છે ટ્રમ્પની વિદાય

Social Share

વોશિંગ્ટન: અમેરિકાના સંસદ પરિસરમાં થયેલી હિંસા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમને તેમના કાર્યકાળથી પહેલા જ હટાવવાની માંગ વધી રહી છે. આ વચ્ચે, અમેરિકાના પ્રતિનિધિ સભાની સ્પીકર તેમજ ટ્રમ્પની વિરોધી નેન્સી પેલોસીએ સ્પષ્ટતા કરી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને મહાભિયોગનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું હતું કે, સદન ટ્રમ્પની સામે મહાભિયોગની કાર્યવાહી આગળ વધારશે.

અમેરિકાના સંસદ પરિસરમાં થયેલી હિંસા પર ડેમોક્રેટ્સને કેટલાક રિપબ્લિકન નેતાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ છે. જો ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ આવે છે, તો આ બીજી તક હશે જ્યારે તેમને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે. પેલોસીએ તેમના પત્રમાં લખ્યું છે કે, જેમણે આપણા લોકતંત્ર પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેર્યા, તેમને દોષિત સાબિત કરવા ખૂબજ આવશ્યક છે. આ વાતને સુનિશ્વિત કરવી જરૂરી છે કે, આ અધિનિયમને રાષ્ટ્રપતિ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું.

પોતાના પત્રમાં નેન્સી પેલોસીએ ઉમેર્યુ હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ પર રહેવું અમેરિકા માટે વધુ જોખમી છે. કારણ કે ત્યાં એ સંભાવનાને નકારી નથી કે તેઓ કેપિટલ હિંસા જેવી ઘટનાઓ માટે ફરીથી તેમના સમર્થકોને ઉશ્કેરશે નહીં. તેથી, મહાભિયોગ દ્વારા તેમને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવા જોઈએ.

બીજી તરફ, અમેરિકાના ભાવી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ ટ્રમ્પ પર કાર્યવાહી કરવાને લઈને દબાણ વધાર્યું છે. તેમણે નામ લીધા વગર એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું છે કે, કાયદો કોઈપણ શક્તિશાળી માણસને બચાવવા માટે નથી. બાઈડેને લખ્યું, આપણા રાષ્ટ્રપતિ કાયદાથી ઉપર નથી. ન્યાય સમાન્ય જનતાની સેવા માટે હોય છે. કોઈ શક્તિશાળી માણસને બચાવવા માટે નહીં.

(સંકેત)