Site icon Revoi.in

ફિલિપાઇન્સમાં ‘વામકો’ વાવાઝોડાનો કહેર, 40નાં મોત, 3.5 લાખ લોકોનું સ્થળાંતર

Social Share

મનીલા: ફિલિપાઇન્સમાં શક્તિશાળી વાવાઝોડું ‘વામકો’ ત્રાટક્યું છે. આ શક્તિશાળી વાવાઝોડું ત્રાટકતા 40 લોકોનાં મોત થયા છે. મનીલાના આસપાસના અનેક ગામો કાદવ અને કાટમાળમાં ગરકાવ થઇ જતા અને લોકોને ઘરની છત પર જવાની ફરજ પડી હતી. અત્યારસુધીમાં 3.5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને પાણીનું સ્તર પણ ઘટી ગયું છે. જે વિસ્તારોમાં વધુ પાણી ભરાઇ ગયું હતું ત્યાં ફસાઇ ગયેલા લોકોને સેનાએ બહાર કાઢ્યા હતા. મનીલા અને તેની આસપાસના વિસ્તારોમાં 38 લાખ મકાનોમાં અંધારપટ છવાઇ ગયો છે. 2,70,000 મકાનોને નુકસાન થયું છે. વામકો વાવાઝોડું પ્રવર્તમાન વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.

સેનાના ચીફ ઓફ સ્ટાફ જનરલ ગિલબર્ટ ગેપે જણાવ્યું હતું કે વિશેષ પ્રકારના વાહનોની મદદથી ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતાં. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ 32 લોકો લાપતા છે.

વાવાઝોડુ વામકોને કારણે મરીકિના શહેર અને રિઝાલ પ્રાંતમાં સૌથી વધારે નુકસાન થયું છે. 11 દિવસની અંદર ફિલિપાઇન્સમાં ત્રીજું વાવાઝોડું ત્રાટક્યું છે. વામકોેને પગલે ગઇકાલ રાતે ઝડપી પવન સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. ફિલિપાઇન્સના પ્રમુખ રોડિગ્રો દુતેર્તેએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું.

હાલમાં સરકાર રાહત શિબિરોમાં માલસામગ્રી અને નાણાકીય મદદ પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ છે. આ મુશ્કેલ સમયમાં સરકાર મદદ કરવામાં પાછળ નહીં રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખેતીના પાકને ભારે નુકસાન થયું છે.

(સંકેત)