Site icon Revoi.in

અમેરિકી અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે 908 અબજ ડૉલરનું તોતિંગ પેકેજ જાહેર

Social Share

વોશિંગ્ટન: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાના અર્થતંત્રની કમર તૂટી ગઇ છે ત્યારે અમેરિકાના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે અમેરિકી સંસદના બન્ને ગૃહ અને વ્હાઇટ હાઉસે મળીને 908 અબજ ડૉલરનું તોતિંગ પેકેજ તૈયાર કર્યું છે. આ રકમનો ઉપયોગ બેકારી ભથ્થુ, વિવિધ ઉદ્યોગોને રાહત, ભાડામાં મદદ, ફૂડ આસિસ્ટન્ટ, ટ્રાન્સપોર્ટેશન રાહત, શિક્ષણ, હેલ્થ કેર સેક્ટરમાં મદદ વગેરે કરવામાં આવશે. મૂળ ઉદ્દેશ લોકોના હાથમાં રોકડ વધે અને દૈનિક જરૂરિયાત પૂરી કરી શકે તેવો છે.

આ પેકેજને લઇને અમેરિકી સંસદના બન્ને ગૃહો અને વ્હાઇટ હાઉસ એટલે કે પ્રેસિડેન્ટની ટીમ મહિનાઓથી વાટાઘાટો કરતી હતી, પરંતુ સહમતી સધાતી ન હતી. હવે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને અગ્રીમતાના ધારણે આ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. 900 અબજની રકમને જો રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આજના દરે રકમ 66500 અબજ કરતા પણ વધારે થાય.

પેકેજ હેઠળ 286 અબજ ડોલરની સીધી સહાય કરવામાં આવશે. અમેરિકાના સ્મોલ બિઝનેસ માટે 325 અબજ ડૉલર, રસીના વિતરણ અને આરોગ્યના અન્ય કાર્યક્રમો માટે 69 અબજ ડૉલર, સ્કૂલો માટે 82 અબજ ડોલરની રકમ, ટ્રાન્સપોર્ટેશન માટે 45 અબજ ડૉલર, ભાડામાં સહાય માટે 25 અબજ ડોલર વગેરેનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, આ પેકેજ અગાઉ જાહેર થયેલા 1.4 ટ્રિલિયન ડૉલરના પેકેજનો જ ભાગ છે, પરંતુ તેને હવે અમલી બનાવાશે. આ નવા પેકેજ અંતર્ગત બેકાર અમેરિકનોને 11 અઠવાડિયા સુધી દર અઠવાડિયે 300 ડૉલરથી માંડીને 600 સુધીના ચેક મળશે.

(સંકેત)