Site icon Revoi.in

યુએસ સંસદ પરિસરમાં હિંસા બાદ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ હંમેશ માટે કર્યું બંધ

Social Share

વોશિંગ્ટન: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્વ કાર્યવાહી કરી છે. ટ્વિટરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી દીધું છે. અમેરિકન સંસદ પરિસર પર થયેલા હુમલા બાદ ટ્વિટરે આ કાર્યવાહી કરી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ વધારે હિંસા ભડકાવી શકે એ વાતનો ખતરો રહેલો છે. આ પહેલા પણ ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટને 12 કલાક માટે બંધ કરી દીધું હતું.

અગાઉ ફેસબૂકે પણ બે નીતિગત નિયમના ઉલ્લંઘન બદલ ટ્રમ્પનું એકાઉન્ટ 24 કલાક માટે બંધ કરી દીધું હતું. ફેસબૂકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના શપથ ગ્રહણ સુધી વિદાય લઇ રહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ નહીં કરી શકે.

બુધવારે ટ્રમ્પના હજારો સમર્થકો યુએસ કેપિટલ (અમેરિકન સંસદ ભવન)માં ઘૂસી ગયા હતા. આ તમામ લોકોએ સંસદની કાર્યવાહીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના જિતની પુષ્ટિ કરવાની પ્રક્રિયા કરવાની હતી. આ દરમિયાન ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા. કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસેલા લોકોને ટ્રમ્પે દેશભક્ત કહ્યા હતા.

બીજી તરફ ટ્રમ્પના સમર્થકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય Parler એપને પણ ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. ગૂગલના આવા પગલાં બાદ ટ્રમ્પના સમર્થકો આ એપને ડાઉનલોડ કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ગૂગલ તરફથી આ અંગે કહેવામાં આવ્યું હતું,  પાર્લર એપ્લિકેશન પરની સામગ્રી અમેરિકન કેપિટલમાં થયેલા હિંસા બાદ હિંસાને ઉત્તેજન આપી રહી હતી.

(સંકેત)