Site icon Revoi.in

US H1-B વિઝા પ્રક્રિયામાં થશે ફેરફાર, હવે લોટરી સિસ્ટમની જગ્યાએ કુશળતાને અપાશે પ્રાધાન્ય

Social Share

વોશિંગ્ટન: અમેરિકાએ હવે H-1B વિઝા નિયમો માટેની પ્રક્રિયામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવી પ્રક્રિયા અંતર્ગત યુએસમાં કામકાજ માટેના પ્રચલિત H-1B વિઝા ફાળવણી માટે હાલની લોટરી સિસ્ટમને બદલીને પગાર તેમજ કુશળતાને પ્રાધાન્ય અપાશે. વિઝા માટેના અંતિમ નિયમો આજે એટલે કે 8 જાન્યુઆરીના રોજ ફેડરલ રજિસ્ટરમાં પ્રકટ થશે. વિઝા પ્રક્રિયામાં ફેરફારનો ઉદ્દેશ અમેરિકામાં શ્રમિકોના આર્થિક હિતોની સુરક્ષા કરવાનો છે. તે ઉપરાંત અસ્થાયી રોજગાર કાર્યક્રમથી ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓને પણ લાભ થાય તે સુનિશ્વિત કરવાનો પણ એક હેતુ છે.

આપને જણાવી દઇએ કે H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકાની કંપનીઓને વિદેશથી આવતા કર્મચારીઓને વિશેષ હોદ્દા પર નિમણૂક કરવા માટે મંજૂરી આપે છે. યુએસની આઇટી કંપનીઓ આ વિઝાના આધારે વાર્ષિક હજારો ભારતીયોને રોજગારી પૂરી પાડે છે.

યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસે જણાવ્યા મુજબ, H-1B વિઝા પસંદગી પ્રક્રિયામાં સંશોધનથી નોકરીદાતાઓને ઉચ્ચ વેતન તેમજ ઉચ્ચ પદ માટે જાહેરાત આપવામાં પ્રોત્હાસન મળશે. સાથે જ કંપનીઓને જરૂરિયાત મુજબ કર્મચારીઓને રાખવા તેમજ કંપનીને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી કાયમ રાખવાનો માર્ગ મોકળો થશે.

ફેડરલ રજિસ્ટરમાં અંતિમ નિયમ પ્રકાશિત થયાના 60 દિવસમાં તે અમલમાં આવશે. H-1B વિઝા કાર્યક્રમ માટે આગામી 1લી એપ્રિલથી અરજી કરી શકાશે.

USCISના ડેપ્યુટી ડાયરેક્ટર ફોર પોલિસી જોસેફ એડલોએ જણાવ્યું કે, H-1B વિઝા કાર્યક્રમનો નોકરીદાતાઓ દૂરુપયોગ કરી રહ્યા છે. તેમને ખર્ચ ઘટાડવા તેમજ પ્રાથમિક સ્તરના પદે નિમણૂક કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.

(સંકેત)