Site icon Revoi.in

US ELECTIONS 2020: પેન્સિલવેનિયામાં જીત બાદ બિડેન પ્રમુખપદેથી એક પગલું દૂર

Social Share

ન્યૂયોર્ક: જો બિડેન હવે વિશ્વની મહાસતાના પ્રમુખ બનવાની રેસમાં હવે એક જ પગલું દૂર છે. અમેરિકન મતદારોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાકારો આપ્યો છે. જો કે, બિડેનના પ્રમુખ બનવાની સત્તાવાર જાહેરાતને હજુ થોડોક સમય લાગશે. બિડેને પેન્સિલવેનિયામાં લીડ મેળવીને તેમની પકડ મજબૂત કરી લીધી છે. આ સાથે જ બિડેન વ્હાઇટ હાઉસની વધુ નજીક પહોંચી ગયા છે. ટ્રમ્પે બિડેનને જ્યા વિજય મળ્યો છે તેવા કેટલાક રાજ્યોમાં કોર્ટમાં મતદાનના ભ્રષ્ટાચાર અંગે કેસ કર્યા છે. પરંતુ જ્યોર્જિયા અને મિશિગન કોર્ટે ટ્રમ્પને ફટકો આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોર્ટે ટ્રમ્પની પોસ્ટલ બેલેટ રોકવાની અરજી ફગાવી દીધી છે. એટલે કે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ રહેશે. જો કે, જ્યોર્જિયામાં બિડેન અને ટ્રમ્પ વચ્ચે મતોનું અંતર ખૂબ જ ઓછું હોવાથી અહીં ફરીથી મતગણતરી કરવામાં આવશે.

આ સમયે પાંચ રાજ્યોના પરિણામો પર બિડેન કે ટ્રમ્પના ભાવિનો આધાર છે. આ પાંચ પ્રાંતોમાં પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, નેવાડા અને અલાસ્કાનો સમાવેશ થાય છે. આ પાંચેય પ્રાંતોમાં હજુ પણ મતગણતરી ચાલુ છે. અમેરિકાના મોટા ભાગાના રાજ્યોમાં સ્થિતિ સ્પષ્ટ થઇ ચૂકી છે, માત્ર આ પાંચ રાજ્યોમાં મામલો અટક્યો છે.

આપને જણાવી દઇએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે 538માંથી 270 ઇલેક્ટોરલ મત મેળવવા જરૂરી છે. બિડેનને હવે માત્ર 6 ઇલેક્ટોરલ વોટની જરૂર છે જ્યારે ટ્રમ્પને 56 વોટની આવશ્યકતા છે. જ્યોર્જિયાના 16 ઇલેક્ટોરલ વોટ છે. અત્યારસુધીમાં 98 ટકા મતોની ગણતરી થઇ હોવાનો અંદાજ છે.

અહીં બિડેને 1096 મતોની પાતળી સરસાઈથી ટ્રમ્પને પાછળ પાડી દીધા છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે ગઈકાલ સુધી તેઓ ટ્રમ્પ કરતાં 50,000 મતોથી પાછળ હતા. બંને ઉમેદવારો વચ્ચે મતોનો ખૂબ જ મામૂલી તફાવત હોવાથી અહીં ફરીથી મત ગણતરી થઈ શકે છે.

પેન્સિલવેનિયાની વાત કરીએ તો અહીંયા 20 ઇલેક્ટોરલ વોટ છે. અહીં 97 ટકા મતગણતરી થઇ છે. અહીં પણ બિડેન 5587 મતોથી ટ્રમ્પ કરતાં આગળ નીકળી ગયા છે. બુધવાર રાત સુધીમાં બિડેન ટ્રમ્પ કરતાં 7,00,000 મતોથી પાછળ હતા. આમ બિડેને બે રાજ્યોમાં ટ્રમ્પને પછડાટ આપી છે.

બિડેને એરિઝોના અને નેવાડામાં તેમની પાતળી સરસાઇથી લીડ જાળવી રાખી છે. નેવાડાના 6 ઇલેક્ટોરલ વોટ છે. આ પ્રાંતમાં 84 ટકા મતગણતરી થઇ ગઇ છે. બિડેન અંદાજે 11,000 મતોથી આગળ છે. અહીં પોસ્ટલ બેલેટ 10મી નવેમ્બર સુધી સ્વીકારવામાં આવશે.

ઉત્તર કેરોલિનાના ચિત્ર પર નજર કરીએ તો અહીંયા 15 ઇલેક્ટોરલ વોટ છે. આ રાજ્યમાં 95 ટકા મતગણતરી થઇ ગઇ છે. અહીંયા 12 નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટ સ્વીકારવામાં આવશે. જો કે અહીંયા, રિપબ્લીકન ઉમેદવાર ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. અલાસ્કાના ત્રણ ઇલેક્ટોરલ વોટ છે. અહીં મતગણતરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અહીં માત્ર 50 ટકા મતોની જ ગણતરી થઇ શકી છે.

જોકે, અહીં પણ ટ્રમ્પની સિૃથતિ ઘણી સારી છે. અત્યાર સુધીની ગણતરીમાં ટ્રમ્પને 1.18 લાખ અને બિડેનને 63 હજારથી વધુ મત મળ્યા છે. આમ હવે જે રાજ્યોમાં મતગણતરી થઈ રહી છે તેમાંથી ચારમાં બિડેન આગળ છે અને માત્ર બે રાજ્યોમાં જ ટ્રમ્પ આગળ છે.

(સંકેત)