Site icon Revoi.in

વ્હોટ્સએપ યૂઝર્સ માટે સારા સમાચાર, વેબ વર્ઝન પરથી પણ કરી શકાશે વોઇસ-વીડિયો કોલ

Social Share

કેલિફોર્નિયા: ફેસબૂકના માલિકત્વ હેઠળની વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ વ્હોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં આગામી વર્ષથી વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળશે. કંપનીના પ્રવક્તાએ રોયટર્સને આ જાણકારી આપી છે. ગત ઘણા સમયથી વોટ્સએપ વેબમાં વોઇસ અને વીડિયો કોલિંગ ફીચર આવવાના અહેવાલ આવી રહ્યા હતા. હાલમાં જ કેટલાક બેટા યૂઝર્સને આ ફીચર રોલઆઉટ થવાની માહિતી સામે આવી છે.

એકવાર વ્હોટ્સએપ વેબમાં વોઇસ અને વીડિયો કોલિંગ ફીચર આવ્યા બાદ તે કોન્ફરન્સિંગ એપ ઝૂમ અને ગૂગલ મીટને પણ ટક્કર આપશે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ અનુસાર રજાઓના સમયગાળામાં ટ્રાયલ બેઝિસ પર કેટલાક ડેસ્કટોપ યૂઝર્સ માટે આ ફીચર પહેલા જ રોલ આઉટ કરવામાં આવી ચૂક્યું છે. WABetainfo એ પ્રથમવાર આ જાણકારી આપી હતી.

હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વિશ્વભરના મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે મિત્રો અને પરિવારજનો સાથે પણ કનેક્ટ રહેવા લોકો ઇન્ટરનેટ અને વીડિયો કોલિંગનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. એવામાં મોટી સ્ક્રીન પર વોટ્સએપ મારફતે વાતચીત કરવાનો લહાવો અદ્ભુત અને યાદગાર બની રહેશે.

(સંકેત)