Site icon Revoi.in

ભારતીય મૂળના બ્રિટિશ મહિલાનું અદમ્ય સાહસ, એકલા હાથે જ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી ઇતિહાસ રચ્યો

Social Share

નવી દિલ્હી: સાહસ અને જુસ્સો તો દરેક ભારતીયોના લોહીમાં રહેલો છે ત્યારે પોતાના સાહસનો પરચો આપતા ભારતીય મૂળના બ્રિટિશ મહિલાએ એકલા જ દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રવાસ ખેડીને ઇતિહાસ રચ્યો છે. બ્રિટનમાં જન્મેલી શિખ આર્મી ઓફિસર પ્રીત ચાંડી પહેલી જ અશ્વેત મહિલા બન્યા છે જેઓએ દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રવાસ એકલા હાથે ખેડીને ઇતિહાસ રચ્યો છે.

તેમના સાહસની વાત કરીએ તો તેઓ ગત મહિને કોઇની પણ સહાય સિવાય એકલા જ સ્કી ઉપર સરકી 40 દિવસમાં 700 માઇલ કાપી દક્ષિણ ધ્રુવ પહોંચ્યાં હતાં. આ માહિતી આપતાં અમેરિકાની પ્રસાર સંસ્થા ભશશ જણાવે છે કે, પ્રીતે તેના બ્લોગમાં જણાવ્યું હતું કે, અત્યારે મને એકાએક અનેક લાગણીઓ થઇ રહી છે.

દક્ષિણ ધ્રુવની સાહસ યાત્રાએ જતાં પૂર્વે સાહસિકે કહ્યું કે, હું આશા રાખું છું કે મારાં આ સાહસથી અન્યો પણ પ્રેરિત થશે તેમજ સીમાઓ તથા સાંસ્કૃતિક બંધનોને પણ તેઓ ઓળંગી જશે. આ સંશોધન યાત્રા મારા માટે તો મારી જાત કરતાં પણ વધુ મહત્વની બની રહે છે. હું આ દ્વારા લોકોને, તેમની સીમાઓ વટાવી પોતાનામાં જ વિશ્વાસ રાખવા કહેવા માગું છું.

પ્રિતી ચાંડી સૌથી પહેલા ચીલી ગયાં. પછી દક્ષિણ ધ્રુવના હરક્યુલસ, ઇન્લેટ પહોંચ્યાં. તેમની સમગ્ર યાત્રા દરમિયાન તેઓએ 90 કિ.ગ્રા.ની સ્લેજ ઊઠાવી હતી. સાથે કીટમાં ખાદ્યાન્ન તથા ઇંધણ પર આશરે 45 દિવસ સુધી ઉઠાવ્યાં હતા.

નોંધનીય છે કે,  પ્રીત ચાંડીએ તેઓના બ્લોગમાં ઉપનામ ”પોલાર-પ્રીત” રાખ્યું હતું. આ સાહસ યાત્રા પૂર્વે તેઓએ અઢી વર્ષ સુધી અસામાન્ય જહેમત કરી હતી. તેઓએ પહેલાં ફ્રેન્ચ આલ્પ્સમાં ‘ક્રેવેસે’ ટ્રેઇનિંગ લીધી, પછી આઇસલેન્ડના ગ્લેસિયર ‘લેન્ગજોકુલા’ ઉપર સ્કીઇંગ કર્યું.