Site icon Revoi.in

અફઘાનિસ્તાન કટોકટી: તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ પર લોકોએ કરી ભાગદોડ, 7 લોકોનાં મોત

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં કટોકટી અને તંગદિલીભરી સ્થિતિ છે. લોકોમાં અરાજકતા વ્યાપેલી છે. ચિંતાનો માહોલ છે. કાબુલની એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં 7 અફઘાની નાગરિકોના મોત થયા છે. બ્રિટનના રક્ષા મંત્રાલય અનુસાર ત્યાં જમીની સ્થિતિ ખૂબ જ પડકારજનક છે. પરંતુ નાગરિકોની સુરક્ષા માટે દરેક સંભવત: પ્રયાસો કરાઇ રહ્યાં છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ખાસ કરીને કાબુલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો દેશ છોડીને જવા માટે એકઠા થયા છે. હાલ એરપોર્ટ પર અમેરિકી સૈન્યનો કબજો છે. એક સાથે હજારો લોકો ભેગા થતા અહીંયા નાસભાગ થઇ હતી. આ દરમિયાન 7 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા છે.

નોંધનીય છે કે, ગત સપ્તાહે એટલે કે ગત રવિવારે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલને બાનમાં લીધા બાદ ત્યાં અનેક ભારતીયો ફસાયા હતા. આ સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટરે કાબુલથી 107 ભારતીયો સહિત 168 લોકોને ગાઝિયાબાદ પહોંચાડ્યા છે.