Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ‘અબકી બાર ખૂંખાર સરકાર’, હસન અખુંદ બન્યા વડાપ્રધાન

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ માત્ર 20 દિવસ બાદ તાલિબાને અફઘાનમાં વચગાળાની સરકારની ઘોષણા કરી છે. હસન અખુંદને નવી અફઘાન સરકારમાં કાર્યકારી વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને કાર્યકારી ઉપ વડાપ્રધાન બનાવાયા છે. સિરાજુદ્દીન હક્કાની ગૃહ મંત્રી તો મુલ્લા યાકૂબને રક્ષા મંત્રી બનાવાયા છે.

આપને જણાવી દઇએ કે અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને પોતાની ઇસ્લામિક અમીરાત સરકાર રચવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સમય દરમિયાન પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. અગાઉ એવી અટકળો હતી કે મુલ્લા બરાદર તાલિબાન સરકારનો ચહેરો બનશે પરંતુ હવે તાલિબાન સરકારનું નેતૃત્વ મુલ્લા મોહમ્મદ હસન અખુંદને સોંપાયું છે.

તાલિબાન સરકારના એલાન મુજબ ખૈરઉલ્લાહ ખૈરખ્વાને સૂચના મંત્રી પદ સોંપવામાં આવ્યું છે. અબ્દુલ હકીમને ન્યાય મંત્રાલય અને શેર અબ્બાસ સ્ટાનિકજઇને નાયબ વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય સૂચના મંત્રાલયમાં નાાયબ મંત્રી પદ જબિઉલ્લાહ મુજાહિદને સોંપવામાં આવ્યું છે.

તાલિબાને નવી સરકારમાં એવા તાલિબાની નેતાઓને સ્થાન આપ્યું છે જે 20 વર્ષથી અમેરિકા સમર્થિત અફઘાનિસ્તાન સામે જંગ લડી રહ્યા હતા. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સમૂદાયોએ માંગ ઉઠાવી હતી કે અફઘાનની નવી સરકારમાં બિન તાલિબાનીઓેને પણ સ્થાન આપવામાં આવે, પરંતુ તાલિબાને આ માંગને ગણકારી નથી.

તાલિબાન દ્વારા અફઘાનમાં સરકાર બનાવાના પ્રયાસો અગાઉ કરવામાં આવ્યા હતા પરંતુ તાલિબાન અન હક્કાની નેટવર્ક વચ્ચે સત્તાના વિવાદને કારણે આ કામ અટક્યું હતું જો કે હવે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે.