Site icon Revoi.in

ઈરાનઃ હિજાબના વિરોધમાં જેલમાં બંધ નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની ભૂખ હડતાળ

Social Share

નવી દિલ્હીઃ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીએ ઈરાનની જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. નરગીસ મોહમ્મદીની તબિયત ખરાબ હોવાથી ઈરાનના જેલ પ્રશાસને નરગીસને હિજાબ વગર હોસ્પિટલમાં લઈ જવાની ના પાડી દીધી છે. તેના વિરોધમાં નરગીસે ​​જેલમાં જ ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે. નરગીસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે લડવા બદલ આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, નરગીસે ​​જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. તે બે બાબતો સામે વિરોધ કરી રહી છે. પ્રથમ ઈરાની સરકાર દ્વારા બીમાર કેદીઓને સારવારની સુવિધા ન આપવા સામે અને બીજું ઈરાની મહિલાઓ દ્વારા ફરજિયાત હિજાબ પહેરવા સામે. નરગીસ મોહમ્મદીના પરિવારે કહ્યું છે કે, તેણીને ત્રણ નસોમાં બ્લોકેજ છે અને તેના ફેફસામાં પણ સમસ્યા છે પરંતુ જેલ સત્તાવાળાઓએ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો ઇનકાર કર્યો છે કારણ કે તેણીએ હિજાબ પહેર્યો ન હતો. પરિવારે જણાવ્યું કે, નરગીસ મોહમ્મદી માત્ર પાણી, ખાંડ અને મીઠું જ લે છે અને તેણે દવાઓ લેવાનું પણ બંધ કરી દીધું છે.

નોબેલ કમિટીએ ઈરાન સરકારને મોહમ્મદીને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ અપીલ કરી છે. મહિલા કેદીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે હિજાબને ફરજિયાત બનાવવો એ માત્ર અમાનવીય જ નથી પણ નૈતિક રીતે પણ અસ્વીકાર્ય છે. ઈરાનમાં મહિલાઓ માટે જાહેર સ્થળોએ હિજાબ પહેરવું ફરજિયાત છે. નરગીસ મોહમ્મદીને મહિલાઓના અધિકારો માટે લડવા બદલ 2023 નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મોહમ્મદી વિવિધ આરોપોમાં 12 વર્ષની જેલની સજા ભોગવી રહી છે. મોહમ્મદી પર ઈરાનની સરકાર વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરવાનો પણ આરોપ છે.