ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધારે તેજ બન્યું છે. ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ અને તેમના ઠેકાણાને નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ માનવતાના દુશ્મન હમાસને ખતમ કરવાના ઈઝરાયલના અભિયાનમાં અમેરિકા પણ જોડાયું છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહિયનએ ઈઝરાયલ અને અમેરિકાને ધમકી આપી છે. ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલની સેના ગાઝામાં ઘુસી તો ઈઝરાયલી સેનાની કબ્ર ત્યાં જ બનશે. તેમજ અમેરિકાને પણ ગર્ભીત ધમકી આપતા જણાવ્યું કે, અમેરિકા કઠપુલતી છે જો યુદ્ધનો દાયરો વધ્યો તો અમેરિકા અને ઈઝરાયલને ભારે નુકશાન થશે. ગાઝામાં ઘુસેલા સેનાને છોડવામાં આવશે નહીં.
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. તેમજ યુદ્ધ ખતરનાક મોડ તરફ આગળ વધી રહી છે. દુનિયાના વિવિધ દેશો આ યુદ્ધના વિનાશને રોકવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. અમેરિકા હાલ ઈસ્લામિક દેશોના સંપર્કમાં છે. બીજી તરફ રશિયા અને ચીનને યુદ્ધથી દુર રાખવાની કવાયત પણ તેજ કરી છે.
આતંકવાદી સંગઠન હમાસના આતંકીઓએ 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર એક પછી એમ 5000થી વધારે રોકેટ છોડ્યાં હતા. તેમજ ઈઝરાયલમાં ઘુસીને ઈઝરાયલ નાગરિકોને નિશાન બનાવ્યાં હતા. જે બાદ ઈઝરાયલે પણ હમાસને ખતમ કરવા માટે યુદ્ધની જાહેરાત કરી હતી. તેમજ ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી ઉપર બોમ્બ વરસાવવાની શરૂઆત કરી હતી. આ યુધ્ધ વચ્ચે ઈઝરાયલમાં 1400થી વધારે નાગરિકોના મોત થયાં હતા. જેમાં ઈઝરાયલના 286 જવાનોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 3227 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે. જ્યારે ઈઝરાયલના હુમલામાં ગાઝા પટ્ટીમાં 2670થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે 9714 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે.