Site icon Revoi.in

RMCની આવાસ યોજનામાં મકાન ફાળવણીમાં ગેરરીતિ, ભાજપના બે કોર્પોરેટરને શો-કોઝ નોટિસ

Social Share

રાજકોટઃ શહેરનાં ગોકુલનગરમાં આવાસની ફાળવણીમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરોનાં પતિઓએ ગોલમાલ કરી હોવાનું પ્રકાશમાં આવતા મ્યુ. કમિશનર દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કમિટીએ પણ તેનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. અગાઉ શહેર ભાજપ પ્રમુખે બન્ને કોર્પોરેટરોના રાજીનામાં માગી લેવામાં આવ્યા હતા. હવે મ્યુનિ. દ્વારા પણ બન્ને મહિલા કોર્પોરેટરોને શો કોઝ નાટિસ આપીને 48 કલાકમાં ખૂલાશો કરવાની તાકીદ કરી છે. આ મુદ્દે કોંગ્રેસે પણ હોબાળો મચાવ્યો હતો.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે,  મ્યુનિના બન્ને મહિલા કોર્પોરેટરોને કારણદર્શક નોટિસ આપી 48 કલાકમાં જવાબ આપવા આદેશ કરાયો છે. તેમને  જવાબ આવ્યા બાદ પાર્ટીને પણ રિપોર્ટ કરવામાં આવશે. હું પાર્ટીના મોવડી મંડળ સમક્ષ આ કેસ રજૂ કરીશ. તેમના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસનાં વિરોધ અંગે જણાવતા તેમણે કહ્યું કે, તેમનું કામ વિરોધ કરવાનું છે. એ રજૂઆત પણ અમે સાંભળી છે, પરંતુ આ મામલે કાયદો કાયદાનું અને પાર્ટી પોતાનું કામ કરશે. આગામી સમયમાં મોવડી મંડળનાં આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ મ્યુ. કમિશનર આનંદ પટેલ દ્વારા અલ્પનાબેન મિત્રાનાં નેજા હેઠળ કમિટી બનાવી આવાસ કૌભાંડની તપાસ કરવામાં આવી હતી. આ કમિટીનો રિપોર્ટ સુપરત કરી દેવામાં આવ્યો છે. જેના આધારે વોર્ડ નંબર 5 કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર 4નાં દેવુબેન મનસુખભાઈ જાદવને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. દેવુબેનનું  મ્યુનિના કાયદો અને નિયમનનાં ચેરમેન પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.

આ અંગે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, તપાસ સમિતિમાં જેના નામ છે તે અલ્પના મિત્રા પોતે આ જ શાખાનાં વડા છે. તેમની સામે પણ અમે આરોપ લગાવીએ છીએ. અગાઉ પણ તેમના નામે કેટલાક કૌભાંડોમાં સામે આવી ચુક્યા હોય તેમની અધ્યક્ષતામાં તપાસ સમિતિ ન હોવી જોઈએ. ખરેખર આ પ્રકરણની તપાસ કોઈ ઈમાનદાર કર્મચારી દ્વારા કરવામાં આવે તો જ સાચી હકીકત જાણી શકાશે. બાકી જેના પર આક્ષેપો થતા હોય તેવા અધિકારીને તપાસ સોંપવાથી હકીકત સામે આવે તેવી શક્યતા જણાતી નથી. માટે આ અંગે મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.