Site icon Revoi.in

ગાઝામાં શિફા હોસ્પિટલની નીચેથી ઈઝરાયલે હમાસની 55 મીટર લાંબી ટનલ શોધી

Social Share

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે એક મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલ ગાઝામાં હમાસના અનેક સ્થાનોને સતત નિશાન બનાવીને નાશ કર્યાં છે. આ ભીષણ યુદ્ધ 7 ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર પાંચ હજાર રોકેટ છોડ્યા પછી શરૂ થયું હતું. ઇઝરાયેલે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં હમાસના કૃત્યોની નિંદા કરી છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો કે, હમાસે પકડાયેલા એક સૈનિકની હત્યા કરી છે. આ ઉપરાંત, ઇઝરાયેલી સેનાએ તાજેતરમાં અલ શિફા હોસ્પિટલમાં હથિયારોનો જથ્થો જપ્ત કરવાનો દાવો કર્યો હતો. જેને લઈને સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો. દરમિયાન શિફા હોસ્પિટલ નીચેથી 55મી લાંબી સુરંગ મળી આવ્યાનો ઈઝરાયલની સેનાએ દાવો કર્યો હતો. જો કે, હમાસે ઈઝરાયલી સેનાના દાવાને ફગાવીને ઈઝરાયલ જુઠ્ઠાણુ ફેલાવતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઈઝરાયેલી સેનાએ કહ્યું કે, 7 ઓક્ટોબરે હમાસ દ્વારા સીમાપારથી હુમલા બાદ ગાઝામાં કેટલાય લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમની શોધ ચાલુ છે. અપહરણ કરાયેલા લોકોમાં 19 વર્ષીય ઇઝરાયેલી સૈનિક નોહ માર્સિઆનો પણ સામેલ હતો. ગયા અઠવાડિયે શિફામાંથી નોહનો મૃતદેહ મળી આવ્યો હતો. હમાસે દાવો કર્યો હતો કે તે ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેના પર અનેક હુમલાઓ થયા હતા. મુખ્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે નુહને હમાસના આતંકવાદીઓ શિફા હોસ્પિટલની દિવાલોની અંદર લઈ ગયા હતા. જ્યાં હમાસના આતંકવાદી દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.

ઈઝરાયેલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગાઝામાં હોસ્પિટલ શિફાની નીચે 55 મીટર લાંબી ટનલ છે. ઈઝરાયેલનો દાવો છે કે ગાઝામાં ટનલ અને બંકરોનું મોટું નેટવર્ક છે. જો કે હમાસે આ વાતને નકારી કાઢી છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના નિર્દેશક મુનીર અલ બાર્શે ટનલ પર ઇઝરાયેલી સૈન્યના નિવેદનને જુઠ્ઠું ગણાવ્યું હતું. તેમણે કહ્યું, તે આઠ દિવસથી હોસ્પિટલમાં છે અને એવું કંઈ નથી. ઈઝરાયેલે અલ શિફા હોસ્પિટલની અંદર બંધકોનો વીડિયો શેર કર્યો છે. જેમાં એક ઘાયલ વ્યક્તિને કેટલાય હથિયારબંધ લોકો અંદર લઈ જઈ રહ્યા હોવાનું જોવા મળે છે. જ્યારે અન્ય વ્યક્તિને બળજબરીથી હોસ્પિટલની અંદર ખેંચવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલી સેનાએ રવિવારે આ વીડિયો જાહેર કર્યો હતો.