Site icon Revoi.in

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ ભારત નહીં આવે, પાંચ દિવસ પહેલા રદ્દ કર્યો પ્રવાસ

Social Share

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાની ભારત યાત્રાને રદ્દ કરી છે. પોતાની યાત્રાના પાંચ દિવસ પહેલા તેમણે વડાપ્રધાન મોદીને ફોન કર્યો અને ઈઝરાયલમાં ચૂંટનીને કારણે પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરવાની જાણકારી આપી હતી. હવે નેતન્યાહૂ ચૂંટણી બાદ ભારત આવશે.

ઈઝરાયલમાં 17 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. નેતન્યાહૂ સૌથી લાંબો સમય સુધી ઈજરાયલના વડાપ્રધાન રહેનારા નેતા છે. મેમાં થયેલી ચૂંટણીના પરિણામોમાં તેમને આકરા પડકારોનો સામનો કરવો પડયો હતો. તે સરકાર બનાવવામાં અસફળ રહ્યા હતા. નેતન્યાહૂ ગઠબંધન બનાવી શક્યા નથી. તેના પછી ઈઝરાયલની સંસદ નેસેટે દેશમાં ફરીથી ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે અહીં ફરીથી ચૂંટણી થવા જઈ રહી છે.

ભારત અને ઈઝરાયલના સંબંધો ઘણાં સારા છે. પીએમ મોદી અને બેન્જામિન નેતન્યાહૂ ઘણાં ઘનિષ્ઠ મિત્ર પણ છે. બંને દેશોના આર્થિક, સૈન્ય, સામરિક સંબંધો ઘણાં ઉચ્ચસ્તરે પહોંચી ચુક્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી, ત્યારે વૈશ્વિક નેતાઓમાં સૌથી પહેલા બેન્જામિન નેતન્યાહૂએ જ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ઈઝરાયલમાં ચૂંટણી વચ્ચે એક બેનર ખૂબ વાયરલ થયું. બેનરમાં વડાપ્રધાન મોદી અને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે દેખાઈ રહ્યા હતા. ઈઝરાયલના પત્રકાર અમીચાઈ સ્ટેને આ બેનરની તસવીર પોસ્ટ કરી હતી. આ બેનર એક બિલ્ડિંગની બહાર લાગેલું હતું.

આ પ્રકારના અન્ય બે બેનર્સ પણ આ બિલ્ડિંગ પર લગાવવામાં આવ્યા. તેના પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રસિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની નેતન્યાહૂની સાથે તસવીર હતી. આ તસવીરના કેપ્શનમાં સ્ટેને લખ્યું હતું કે નેતન્યાહૂનું ચૂંટણી વિજ્ઞાપન- પુતિન, ટ્રમ્પ અને મોદી.