Site icon Revoi.in

ભાવનગરને પાણી પુરૂ પાડતા બોર તળાવમાં સિદસર ગામના ગટરનું પાણી ઠલવાતું હોવાની રાવ

Social Share

ભાવનગરઃ શહેરને પાણી પુરી પાડતું ગૌરીશંકર તળાવ ઐતિહાસિક છે. આ તળાવ બોર તળાવના નામે ઓળખાય છે. છેલ્લા ઘણા વર્ષોથી મેઘમહેરને કારણે ભાવનગર શહેર માટે પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં પણ નહીવત રહી છે. બોરતળાવ પણ આખું વર્ષ ભર્યું ભર્યું રહ્યું છે. અને બોરતળાવના પાણીનો પીવા માટે ઉપયોગ પણ કરાય છે. ત્યારે શહેરના સીમાડે આવેલા સિદસર ગામના ગટરના ગંદા પાણી બોરતળાવમાં ઠલવાય રહ્યા છે. તેથી  બોરતળાવનું પીવાલાયક પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે બોર તળાવનું પાણી પ્રદુષિત બની રહ્યું છે.

ભાવનગરમાં આ વખતે સારા વરસાદને કારણે બોર તળાવ છલોછલ ભરાયેલું છે. તેથી ઉનાળા દરમિયાન શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા નહીં નડે, બોર તળાવનો પટ પણ ખૂબ મોટો છે. તળાવ નજીક સિદસર ગામ આવેલું છે, અને ગામનું ગટરનું પાણી બોર તળાવમાં ઠલવાતું હોવાથી તળાવનું પાણી દુષિત થઈ રહ્યું છે. છતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. નગરજનોમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી ગુનાઈત પ્રવૃતિ સામે તંત્ર નિષ્ક્રિય રહેતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગરના શહેરીજનો માટે શેત્રુંજી, મહીપરીએજ ઉપરાંત બોરતળાવનું પાણી પણ પીવામાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં બોરતળાવ ખાલીખમ રહેતા તેના પાણીનો બહુ ઉપયોગ થતો નહીં. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સારા વરસાદને કારણે બોરતળાવમાં છલોછલ ભરાયેલું  છે. જેથી નીલમબાગ ફિલ્ટર હેઠળના વિસ્તારોને પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. બોરતળાવનું પાણી દૂષિત હોવાની બાબતે વર્ષોથી ફરિયાદ રહી છે. જે આજે પણ યથાવત છે. સીદસર ગામનું ગટરનું ગંદુ પાણી સીદસર – વરતેજ રોડ વચ્ચે સીદસર ગામ પાસેના નાળામાંથી બોરતળાવમાં ભળી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સીદસર ગામમાંથી અગાઉ પણ ગટરનું ગંદુ પાણી જુદી જુદી જગ્યા પરથી બોરતળાવમાં છોડવામાં આવતું હતું. પરંતુ મ્યુનિ.  કોર્પોરેશન દ્વારા બોર તળાવમાં ગંદા પાણી ઠલવાતા નવ ભુંગળા બંધ કરાવવામાં આવ્યા હતા. જોકે હાલ  સીદસરના બ્રિજ પાસે ઈંટોના ભઠ્ઠા નજીકથી  ગંદુ પાણી બોર તળાવમાં ઠલવાય રહ્યું છે.