Site icon Revoi.in

અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં સિંહોમાં ન્યુમોનિયાનો રોગચાળો, પાંચ સિંહને રેસ્ક્યુ કરાયાં

Social Share

અમદાવાદઃ પશુઓમાં પણ રોગચાળો જોવા મળતો હોય છે. વાતાવરણની અસર માણસની જેમ પશુઓને પણ થતી હોય છે. ત્યારે અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહોમાં ન્યુમોનિયાનો રોગ જોવા મળતા વન વિભાગ દ્વારા પાંચ જેટલા સિંહનું રેસ્ક્યુ કરને એનિમલ સારવાર કેન્દ્રમાં ખસેડીને વેક્સિંન આપવામાં આવી હતી.

શેત્રુંજી ડિવિઝન હેઠળના અમરેલીના જાફરાબાદ રેન્જ ફોરેસ્ટમાં ન્યુમોનિયા નામના રોગના કારણે દોઢ માસ પહેલા બે સિંહ બાળના મોત નિપજ્યા હતા. ત્યારબાદ વન વિભાગે સતર્ક થઈને  સિંહોમાં ન્યુમોનિયા રોગ છે કે નહીં તેની તપાસ શરૂ કરી હતી. તેમજ જાફરાબાદ નજીકના માઈન્સ વિસ્તારમાંથી પાંચ સિંહના રેસ્ક્યુ કરી ડી વોર્નિંગ કરવામાં આવ્યું હતું.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંહ સહિત વન્યપ્રાણીઓમાં ચોમાસામાં ઇતરડી આવી જતી હોય છે. ઇતરડી સિંહોના શરીરમાંથી લોહી ચૂસી લેતી હોય છે, અને ન્યુમોનિયા નામનો રોગ થતો હોય છે. ન્યુમોનિયાના કારણે બે સિંહબાળના મોત નિપજ્યા હતા. જેમાં જાફરાબાદ રેન્જના નાગેશ્રી ગામે નિમોનિયા નામના રોગથી એક સિંહ બાળનું મોત નિપજ્યું હતું. તેમજ આ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરેલા અન્ય એક સિંહબાળનું પણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બે ત્રણ દિવસ પહેલા જ એક સિંહ બાળને તાવ અને ન્યુમોનિયાની અસર દેખાતા વન વિભાગ દ્વારા સિંહ બાળને જુનાગઢ સક્કરબાગ ઝૂમાં ખસેડ્યું હતું. વન વિભાગ દ્વારા સિંહોના ડી વોર્નિંગ કરવામાં આવી રહ્યા છે. જાફરાબાદ રેન્જના માઇન્સ વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા બે સિંહણ, બે નર સિંહ અને એક સિંહબાળ સહિત પાંચ સિંહના રેસ્ક્યુ કરી ડી વોર્નિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગ દ્વારા બે સિંહ અને એક સિંહણને રેસ્ક્યુ કરી મુક્ત કરવામાં આવ્યા હતા. એક સિંહણ અને સિંહ બાળને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.