Site icon Revoi.in

જામજોધપુર: 157 લાખના ખર્ચે તૈયાર થયેલા બુટાવદરથી શેઠ-વડાળા રોડનું ખાતમૂહર્ત થયું

Social Share

જામનગર: જામજોધપુર તાલુકાના બુટાવદર-સંગ ચિરોડા-મોટી ભરડ-કલ્યાણપુર-શેઠ વડાળા રોડનું કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતમૂહર્ત  કર્યું હતું.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 17.40 કિ.મી.ની લંબાઇ ધરાવતો આ માર્ગ 157.48 લાખના ખર્ચે નિર્માણ થનાર છે. આ રોડના નિર્માણ થકી બુટાવદરથી મોટી પાનેલી જતા રાહદારીઓની સુવિધામાં ઉમેરો થશે તેમજ અવર-જવરમાં થતી ટ્રાફિકની મુશ્કેલીઓ દૂર થશે. આ પ્રસંગે ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ,પૂર્વ મંત્રી,ધારાસભ્ય,તાલુકા પંચાયત પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં આ રોડ પર આવતા મોટી ભરડ ગામે સરકાર દ્વારા ૫૫ મીટરની લંબાઈનો બ્રિજ મંજુર કરવામાં આવેલ છે જેની સાથે જરૂરી પ્રોટેક્શન દિવાલ તથા એપ્રોચ રસ્તો કે જેને સંગચિરોડા ગામને જોડતી મિસિંગ લંબાઇ સાથે કુલ 362.66 લાખની તાંત્રિક મંજૂરી મળી ગયેલ છે. તેમજ કામનું ડી.ટી.પી.પણ મંજૂર કરી દેવામાં આવેલ છે. તેમજ શેઠ વડાળા થી કલ્યાણપુર વચ્ચેના રસ્તામાં આવતા બે કોઝવેના સ્થાને પુલ બનાવવા માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.250 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે.

આ પ્રસંગે ધારાસભ્ય ચિરાગ કાલરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી  ચનિયારા, પૂર્વ મંત્રી ચીમન  સાપરિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ હંસા સાકરીયા, ઉપ પ્રમુખ દેવા પરમાર, બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.આગિયા, હર્ષદીપ  સુતરિયા, જિલ્લા પંચાયત સદસ્ય ગીરીશ  ગરસર તથા અશોક ચોવટિયા, વાસ્મોના ડિરેક્ટર અમુ  વૈષ્નાણી, શ્રી ચેતન કડીવાર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.