Site icon Revoi.in

જમ્મુ -કાશ્મીર: અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન

Social Share

શ્રીનગર:કટ્ટરપંથી અલગાવવાદી અને ભૂતપૂર્વ હુર્રિયત પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારે મોડી રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. બુધવારે બપોરે તેણે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં તણાવની ફરિયાદ કર્યા બાદ ડોક્ટરોએ તેની ઘરે સંભાળ લીધી હતી. મોડી રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે તેમનું અવસાન થયું. તેઓ 2008 થી સતત હૈદરપોરા સ્થિત આવાસમાં નજરકેદ હતા.

આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, સમગ્ર ઘાટીમાં પ્રતિબંધો લાદવાની સાથે મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. દરમિયાન હુર્રિયત નેતા અને જમ્મુ -કાશ્મીર પીપુલ્સ લીગના અધ્યક્ષ મુખ્તાર અહમદ વાજાની દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાંથી મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

ગિલાનીના મૃત્યુ બાદ સમગ્ર ઘાટીમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓના એસએસપીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે. ગિલાનીના પરિવારના સભ્યો ઈચ્છે છે કે, તેને શ્રીનગરના શહીદી સ્મશાન ભૂમિમાં દફનાવવામાં આવે, પરંતુ અપેક્ષા છે કે તેને હૈદરપોરામાં દફનાવવામાં આવશે.તો બીજી તરફ પોલીસે ઉત્તર કાશ્મીરના લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે. લોકોને શ્રીનગર તરફ ન જવાની સલાહ આપવામાં આવી છે.

કલમ 370 નાબૂદ થયા બાદ જૂન 2020 માં તેમને હુર્રિયતના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું. સોપોરમાં 29 સપ્ટેમ્બર 1929 ના રોજ જન્મેલા ગિલાની અગાઉ જમાત-એ-ઇસ્લામીના સભ્ય હતા, પરંતુ બાદમાં તહરીક-એ-હુર્રિયતની રચના કરી. તેઓ ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન પણ હતા. તેઓ 1972, 1977 અને 1987 માં સોપોરથી ધારાસભ્ય હતા.

પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી અને પીપુલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની લોને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મહેબૂબાએ ટ્વિટ કર્યું કે, ગિલાની સાહેબના નિધનના સમાચારથી દુઃખી છું. આપણે મોટાભાગની બાબતો પર સહમત ન હોઈએ, પરંતુ હું તેના નિશ્ચય માટે અને તેની માન્યતાઓ પર ઉભા રહેવા બદલ તેનો આદર કરું છું. અલ્લાહતાલા તેને જન્નત અને તેના પરિવાર તથા શુભચિંતકોને સાંત્વના આપે.