Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર : ગુરેજ સેક્ટરમાં 6 વર્ષ બાદ ઘૂસણખોરી, 2 આતંકવાદીઓ ઠાર

Social Share

જમ્મુ-કાશ્મીરમાં શિયાળો શરૂ થતા પહેલા આતંકવાદીઓને મોકલવા માટે પાકિસ્તાને સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પરંતુ સુરક્ષાદળોના ચોકસાઈપૂર્વકના નિરીક્ષણને કારણે તેને દરેક વખતે ધૂળ ચાટવી પડી રહી છે. પાકિસ્તાન હવે ઘૂસણખોરી માટે નવા-નવા રસ્તા શોધી રહ્યું છે. સેનાએ હવે રાજ્યની સિંધ ઘાટીના ગુરેજ સેક્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જણાવવામાં આવે છે કે લગભગ 6 વર્ષ બાદ આ વિસ્તારમાં ઘૂસણખોરીની ઘટના સામે આવી છે.

જમ્મુ-કાશ્મીર પર ક્યાં 58 દેશ આપી રહ્યા છે ટેકો? સવાલ પર મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા પાકિસ્તાની વિદેશ પ્રધાન

સૈન્ય સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓની ઘૂસણખોરીની આ ઘટના 27 ડિસેમ્બર અને 3 ઓક્ટોબરે થઈ હતી. તેમણે કહ્યુ છે કે ગત ઘણાં વર્ષોથી સિંધ ઘાટી શાંત હતી અને અહીં આખરી આતંકવાદ વિરોધી અભિયાન ઓગસ્ટ-2013માં ચલાવવામાં આવ્યું હતું. સેનાના એક અધિકારીએ કહ્યુ છે કે પાકિસ્તાન અંકુશ રેખાની દરેક તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવીને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી રહ્યું છે. આનાથી કાશ્મીર ખીણના સ્થાનિક લોકો દહેશતમાં છે અને તેમને એ ડર સતાવી રહ્યો છે કે પાકિસ્તાની આતંકવાદીઓના હાથે તેમનો જીવ જઈ શકે છે.

કાશ્મીર પર અમેરિકાની બેશરમ પાકિસ્તાનને સલાહ, ચીનના મુસ્લિમોની વધારે ચિંતા કરો

સેનાના સૂત્રોએ કહ્યુ છે કે ગ્રેનેડ લોન્ચર સાથે બે આતંકવાદીઓનું આવવું ક્ષેત્ર માટે ચિંતાજનક વાત છે. આ વિસ્તારમાં જિપ્સી સમુદાયના લોકો રહે છે અને અખરોટ તથા અન્ય પ્રાકૃતિક જડીબુટ્ટીઓથી પોતાનું ઘર ચલાવે છે. ગાંદરબલ અને કારગીલ પોલીસ ખાડીના એક દેશમાં રહેતા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલની તપાસ કરી રહી છે. પોલીસે આવું ત્યારે કર્યું છે કે જ્યારે એક સ્થાનિક પરિવારે એક આતંકીની લાશનો દાવો કર્યો છે.

જમ્મુ-કાશ્મીરના એક ટોચના ગુપ્તચર અધિકારીએ કહ્યુ છે કે આતંકવાદીઓની પાસેથી વાયરલેસ વીએચએફ સેટ જપ્ત થયો છે, તે દર્શાવે છે કે તે લોકો પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓની સાથે સંપર્કમાં હતા. સુરક્ષા એજન્સીઓ આ વાતથી ચોંકી ગઈ છે કે એક પરિવારે એક આતંકવાદીના લાશનો દાવો કર્યો હતો. તેમણે કહ્યુ છે કે અમે નમૂનાના ડીએનએની તપાસ કરી રહ્યા છીએ. અમને એ પણ જણાવવામાં આવે છે કે આ પરિવારને સાઉદી અરેબિયાથી કોઈએ એલર્ટ કર્યા હતા. અમે આ વ્યક્તિની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ.

એક અલગ ઘટનાક્રમમાં વિશ્વસ્ત ગુપ્તચર માહિતી મળી છે કે શ્રીનગર કેન્દ્રીય જેલમાં બંધ ઘણાં લોકો જૈશ-એ-મોહમ્મદના દક્ષિણ કાશ્મીરમાં સક્રીય વિદેશી આતંકવાદીઓની સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યુ છે કે આ આતંકવાદી એરફોર્સના શ્રીનગર અને અવંતીપોરા ખાતેના ઠેકાણા તથા રાવલપોરાની બેંક કોલોની પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. બે દિવસ પહેલા જ એનએસજીની વધારાની ટુકડીઓને જમ્મુ, શ્રીનગર અને લેહ એરપોર્ટની સુરક્ષા માટે તેનાત કરવામાં આવી છે.