- 7 માર્ચ સુધી જનઔષધિ સપ્તાહનું આયોજન
- ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આયોજન
- પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત આયોજન
દિલ્હી:”પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના” હેઠળ શરૂ કરવામાં આવેલા પી.એમ.જનઔષધિ કેન્દ્ર ખાતે તા. 1 થી 7 માર્ચ સુધી જનઔષધિ સપ્તાહનું આયોજન ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
આ સપ્તાહ દરમ્યાન વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા જન સામાન્ય સુધી સસ્તા – રાહત દરે ગુણવત્તાયુક્ત દવાઓનું વિતરણ જનઔષધિ કેન્દ્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેનો પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમો અંતર્ગત કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આજે સેક્ટર -૨૪, ગાંધીનગર ખાતે આવેલ જનઔષધિ કેન્દ્રની મુલાકાત લઈ, “આરોગ્ય ચકાસણી કેમ્પ” નું ઉદ્ઘાટન કર્યુ હતું. એમણે ભારત સરકાર દ્વારા સેક્ટર ૨૪,ચાર રસ્તા ઉપર મૂકેલ “જનઔષધિ સેલ્ફી પોઈન્ટ” ની પણ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતેથી મળતી દવા ૮૦ થી ૯૦ ટકા જેટલી સસ્તી છે. ગરીબો અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તેમને સારું આરોગ્ય અને સસ્તી દવા મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે.આજે દેશભરમાં લગભગ 8500થી પણ વધુ જનઔષધિ કેન્દ્રો પરથી સસ્તી દવા મળી રહી છે.
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે,હાલના સમયમાં લોકો પોતાના નજીકના સગાઓને દવાખાના લઈ જતા પણ સંકોચ અનુભવી રહ્યા છે કારણકે સૌથી મોટી સમસ્યા દવાખાનાના મોટા બિલોની આવી રહી છે જ્યારે મા કાર્ડ જેવી યોજનાઓના કારણે લોકોને ગંભીર અને મોટી બીમારી ની સારવાર તદ્દન નિઃશુલ્ક મળી રહી છે જે સૌથી મોટી ઉપલબ્ધિ છે. મંત્રીએ આ પ્રસંગે લાભાર્થીઓને મફત મેડીકલ કીટનું વિતરણ પણ કર્યું હતું.
મોટી સંખ્યામાં લોકોએ નિ:શુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ લાભ લીધો હતો. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.