Site icon Revoi.in

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી… દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમી ધામધૂમથી ઊજવાશે

Social Share

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમીના પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવવા માટે આખરી તૈયારીઓ ચાલી રહી છે. કાળિયા ઠાકોરનો જન્મોત્સવ 7મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ ઊજવવામાં આવશે. જેમાં શ્રીજી નિત્યક્રમ મુજબ સવારે 6 વાગે મંગળા આરતી થશે અને મંગળા દર્શન 6 થી 8 રહેશે. સવારે 8 વાગ્યે ઠકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ  ભગવાન દ્વારકાધિશને ઉત્સવ અનુરૂપ સાત ભોગ ધરાવવામાં આવશે. સાંજે શયન ભોગ બાદ નિત્યક્રમ મુજબ મંદિર બંધ થશે.  રાત્રે 12 વાગે જન્મોત્સવ પર્વ નિમિતે જન્મોત્સવ આરતી થશે. કાન્હાના વધામણાંને લઇ ભક્તો માટે રાત્રિના 2:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.

યાત્રાધામ દ્વારકામાં પવિત્ર પરસોત્તમ માસને લઈ બે જન્માષ્ટમીની ઊજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં 7મી ઓગસ્ટના રોજ અધિક શ્રાવણ માસમાં જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી હતી હવે  7મી  સપ્ટેમ્બરનો જન્માષ્ટમીનો પર્વ ખાસ બની રહેશે. જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે. જેથી દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું છે. જેમાં સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક, 10 વાગે સ્નાન ભોગ, 10:30 શૃંગાર ભોગ, 11:00 વાગે શૃંગાર આરતી, 11:15 વાગ્યે ગ્વાલભોગ, બપોરે 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન, 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ, સાંજે 7:30 વાગ્યે સંધ્યા ભોગ, 7: 45 વાગ્યે સંધ્યા આરતી, રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ, રાતે 8:30 વાગ્યે શયન આરતીના દર્શન, રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ, રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ, જે રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે. આગામી જન્માષ્ટમીએ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશે. જેને ધ્યાનમાં રાખી દ્વારકા જિલ્લા પોલીસે દર્શનાર્થીઓ માટે લોકઉપયોગી એક એપ લોન્ચ કરી છે. જેમાં મંદિરના દર્શન સમય પત્રકથી લઇ પાર્કિંગ, વને વે, જેવી તમામ માહિતી લોકો મેળવી શકાશે.

Exit mobile version