Site icon Revoi.in

જાપાને પૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહને આપ્યું વિશેષ સન્માન

Social Share

દિલ્હી : ભૂતપૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ (નિવૃત્ત) ને જાપાન સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જાપાન સરકારે તેમને ‘ધ ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન, ગોલ્ડ એન્ડ સિલ્વર સ્ટાર’થી નવાજ્યા છે. પૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંઘ (નિવૃત્ત)ને રાષ્ટ્રની રક્ષા માટે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

એડમિરલ કરમબીર સિંહ નેવીના ચીફ પણ રહી ચૂક્યા છે. તેઓ નૌકાદળના વડા તરીકે એડમિરલ સુનીલ લાંબાના અનુગામી બન્યા હતા. એડમિરલ કરમબીર સિંહને તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ દ્વારા અતિ વિશિષ્ટ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ પ્રથમ હેલિકોપ્ટર પાયલટ છે જેને નેવલ સ્ટાફના વડા બનાવવામાં આવ્યા હતા.

એડમિરલ સિંહનો જન્મ 3 નવેમ્બર 1959ના રોજ જલંધરમાં થયો હતો. તેઓ વર્ષ 1980માં ભારતીય નૌકાદળમાં જોડાયા હતા. તેમને 1982માં હેલિકોપ્ટર પાયલટ બનવાની તક મળી. વાઈસ એડમિરલ કરમબીર સિંહે કમોવ-25 અને કમોવ-28 એન્ટી-સબમરીન હેલિકોપ્ટર ઉડાવ્યા છે.

એડમિરલ કરમબીર સિંહ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટન અને કૉલેજ ઑફ નેવલ વૉરફેર, મુંબઈના સ્નાતક છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજની કમાન સંભાળી છે. તેઓ પશ્ચિમી ફ્લીટમાં ફ્લીટ ઓપરેશન્સના અધિકારી પણ રહી ચૂક્યા છે.

મે 2019 માં નૌકાદળના વડાની કમાન સંભાળ્યા પછી, તેઓ નવેમ્બર 2021 સુધી નેવી ચીફ રહ્યા. આ પહેલા તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચૂક્યા છે. તેમની પાસે INS વિજયદુર્ગ, INS રાણા, INS દિલ્હીની કમાન્ડિંગનો અનુભવ છે.