Site icon Revoi.in

જેપી નડ્ડાએ મિશન 2024 માટે નવી રાષ્ટ્રીય કાર્ય સમિતિની રચના કરી

Social Share

દિલ્હી : વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી અને આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય વર્તુળોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીના કાર્યક્રમોને લઈને ભાજપમાં પણ હલચલ મચી ગઈ છે અને શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકારી સમિતિના સભ્યોની જાહેરાત કરતા તેના સંકેત દેખાઈ રહ્યા છે. ચૂંટણી પ્રચારને લઈને મિશન મોડમાં આવેલી ભાજપે તૈયારીઓ માટે કમર કસી લીધી છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ શનિવારે રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં ફેરબદલ કર્યો છે. આમાં તેલંગાણા બીજેપી ચીફ બંદી સંજય કુમાર સહિત દસ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્યોમાં સુરેશ કશ્યપ, ડૉ. સંજય જયસ્વાલ, વિષ્ણુદેવ સાંઈ, ધરમલાલ કૌશિક, અશ્વિની શર્મા, બંડી સંજય કુમાર, સોમવીર રાજુ, દીપક પ્રકાશ, કિરોડી લાલ મીના અને ડૉ. સતીશ પુનિયાનો સમાવેશ થાય છે. આ સિવાય કે. સુભાષ કન્નોથને કેરળના રાજ્ય મહાસચિવ (સંગઠન) બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્યોની જેપી નડ્ડાએ કરેલી જાહેરાતમાં ઘણા પૂર્વ પ્રદેશ પ્રમુખોને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઝારખંડના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશ, રાજસ્થાનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, તેલંગાણાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ બંદી સંજયને પણ સ્થાન આપવામાં આવ્યું છે. બિહારના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલને પણ વર્કિંગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે બીજેપી સંગઠન અને મોદી કેબિનેટ સાથે જોડાયેલા એક સમાચારમાં જુલાઈમાં ઘણા ફેરફારોની વાત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ટૂંક સમયમાં મોદી કેબિનેટમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર ટૂંક સમયમાં કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે. જો આ ફેરબદલ થશે તો તે ચોમાસુ સત્ર પહેલા થશે. 17મી જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થઈ શકે છે. જે 10 ઓગસ્ટ સુધી ચાલશે. જોકે, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં ચોમાસુ સત્ર પર અંતિમ મહોર મારવામાં આવશે.