Site icon Revoi.in

જુનાગઢ કૃષિ યુનિ. દ્વારા સંશોધિત ફોલ્ડેબલ બોક્સને કેન્દ્ર સરકારની મળી પેટન્ટ

Social Share

જૂનાગઢઃ રાજ્યમાં કૃષિ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધનો થતા રહે છે. યુનિવર્સિટીના કૃષિ સંશોધકોએ ફળો-શાકભાજીને બગડતા અટકાવવા ફોલ્ડેબલ બોક્સનું સંશોધન કર્યું હતું. આ સંશોધનને પેટન્ટ મળી ગઈ છે. પોલીપ્રોપીલીન કોરૂગેટેડ શીટમાંથી બનાવેલ આ પરિવહન ખાનાવાળા બોક્સની વિશિષ્ઠતાઓમાં તેને સંપૂર્ણપણે કોલ્ડ કરી શકાય છે. તેમાં અંદરના ખાનાઓમાં ફેરફાર કરી શકાય છે. તેનું વજન માત્ર દોઢ કિલો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ફળો-શાકભાજીને બગડતા અટકાવવા ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્સનું મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું હતું. પ્રથમ વખત આ સંશોધનને કેન્દ્ર સરકારની પેટન્ટ મળી છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઈતિહાસમાં આ સિદ્ધિ સુવર્ણ અક્ષરે લખાશે. જૂનાગઢ કૃષિ યુનિ.ની ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના રિન્યુએબલ એનર્જી એન્જિ.વિભાગનાં કૃષિ વૈજ્ઞાનિકો સ્વ.ડો.ડી.કે.અંટાળા, ડો.પી.એમ. ચૌહાણ, ડો.આર.એમ.સતાસિયા, ડો.આર.એ.ગુપ્તા તથા જે.વી.ભુવા દ્વારા વર્ષ 2013માં ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્સનું બાગાયતી પાકોનાં પરિવહન માટે સંશોધન કરાયું હતું અને તેની પેટન્ટ રજિસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકારમાં રજૂ કરવામાં આવી હતી. આ સંશોધન માટે વર્ષ 2017માં ભારત સરકાર દ્વારા બે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા હતા. આ બહુમાન બદલ કંઈક નવું કરવાની પ્રેરણાના ભાગરૂપે બાગાયત પાકોના ઉત્પાદકો, ખેડૂતો તથા સંલગ્ન વેપારીઓ માટે ઉપયોગી ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્સનાં સંશોધનની કામગીરી હાથ ધરાઈ અને અંતે પેટન્ટની માન્યતા પ્રાપ્ત કરી છે.

પોલીપ્રોપીલીન કોરૂગેટેડ શીટમાંથી બનાવેલ આ પરિવહન ખાનાવાળા બોક્સની વિશિષ્ઠતાઓમાં તેને સંપૂર્ણપણે કોલ્ડ કરી શકાય છે. તેમાં અંદરના ખાનાઓમાં ફેરફાર કરી શકાય છે. તેનું વજન માત્ર દોઢ કિલો છે. આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થતા યુનિ.ના કુલપતિ ડો.વી.પી.ચોવટિયા, સંશોધન નિયામક ડો.ડી.આર.મહેતા, કૃષિ ઈજનેરી વિદ્યા શાખાના પ્રિન્સિપાલ ડો. એન. કે. ગોટીયાએ યુનિ.ના અધિકારીઓ સહિતનાઓને અભિનંદન પાઠવ્યા હતા.