Site icon Revoi.in

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ તુવેરમાંથી તુવેરદાળ બનાવવાના આધૂનિક મશીનની શોધ કરી

Social Share

જૂનાગઢઃ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અવનવા સંશોધનો કરાતા હોય છે. જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તુવેરમાંથી તુવેરદાળ બનાવવાનું આધુનિક મશીન બનાવ્યું છે. જે મશીનની મદદથી 24 કલાકમાં જ દાળ બનીને તૈયાર થઈ જશે. જેનાથી વીજળી અને સમય બન્નેની બચત થશે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોના જણાવ્યા મુજબ તુવેરનું ફોતરૂં ખૂબજ સખ્તાઇથી તેના દાણા સાથે ચોંટેલું હોય છે. જેને અન્ય કઠોળની જેમ સહેલાઇથી દુર કરી શકાતું નથી. હાલ તુવેરદાળ બનાવતા ઉદ્યોગોમાં વેટ મીલીંગ, ડ્રાય મીલીંગ સીએફટીઆરઆઇ પદ્ધતિ, પંતનગર પદ્ધતિ, સીઆઇએફ પદ્ધતિ તથા આઇઆઇપીઆર પ્રક્રિયા વગેરે જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, ગુજરાતમાં ડ્રાય મીલીંગ પદ્ધતિ વધુ પ્રચલિત છે. આ બધી પ્રક્રિયાઓમાં દાળ બનાવવા માટે 4થી 7 દિવસ જેટલો સમય લાગે છે. આ પદ્ધતિઓ તુવેરના ફોતરાને સરળતાથી દૂર કરવામાં બહુ અસરકારક નથી. જેના કારણે પ્રક્રિયામાં સમય વધુ લાગે છે, મજૂરી ખર્ચ વધુ આવે છે અને મીલીંગ દરમિયાન નુકસાન પણ વધે છે. જેથી ઉત્પાદન ખર્ચ પણ વધુ લાગે છે. આથી તવેરમાંથી તુવેર દાળ બનાવવાના મશીનની શોધ કરવાનો વિચાર સુઝ્યો હતો.

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા તુવેરમાંથી તુવેરદાળ બનાવવાની પ્રક્રિયા ઝડપી થાય તે માટે સંશોધન દ્વારા એક નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ખાસ આધુનિક મશીન બનાવ્યું છે. ઉત્સચેસકનો ઉપયોગ કરીને આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ મશીનની મદદથી તુવેરના દાણાને ઉત્સસેચકો સાથે મિશ્રિત કરીને તુવેરના દાણામાંથી દાળ તૈયાર કરાઈ છે. જે સમગ્ર પ્રક્રિયા ફક્ત 24 કલાકમાં તૈયાર કરી શકાય છે. જ્યારે અન્ય પદ્ધતિમાં તેને 7 દિવસ લાગે છે. આમ આ પ્રક્રિયાથી સમય, ખર્ચ અને ઉર્જાશક્તિનો ઘણો બચાવ થાય છે અને મીલીંગ દરમિયાન થતા નુકસાનમાં પણ ઘટાડો થાય છે. વધુમાં આ પ્રક્રિયાથી તૈયાર કરેલી દાળને રસોઇ કરતી વખતે  ચડવામાં પણ ઓછો સમય લાગે છે.

કૃષિ યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ દાળ તૈયાર કરતા ઉદ્યોગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ગ્રેઇન ટ્રીટ મશીન વિકસાવામાં આવ્યું છે. આ પ્રાથમિક ધોરણે નાના સ્કેલના દાળ ઉત્પાદકો માટે 100 કિ.ગ્રા તુવેરની ક્ષમતા વિકસાવે તેવી રીતનું મશીન તૈયાર કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં મોટા ઉદ્યોગો માટે આ મશીનની ક્ષમતા વધારવામાં આવશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ મશીનની પેટન્ટ મેળવવા માટે અરજી કરી છે. આ પેટન્ટ પાસ થઈ જતા ખેડૂતો માટે હવે આર્થિક રીતે સદ્ધર વાતો માત્ર વાતો ન રહેતા ઉત્પાદન અને તેની પ્રોસેસ બાદ ખેડૂતોને સારું એવું વળતર પણ મળી શકશે.

Exit mobile version