Site icon Revoi.in

જુનાગઢના પર્યટક સ્થળોએ પ્રવાસીઓની જામી ભીડ, ઉપરકોટના કિલ્લામાં લાંબી લાઈનો લાગી

Social Share

જુનાગઢઃ ગરવા ગિરનાર, ઉપરકોટ, સાસણગીર સહિતના સ્થળોએ બેસતા વર્ષે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જુનાગઢના ઉપરકોટ, ગિરનાર, સક્કરબાગ સહિતના પર્યટક સ્થળો પર પ્રવાસીઓ ધસારાને લીધે વેપારીઓમાં પણ ખૂશી જોવા મળી હતી. શહેરના તમામ હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ જોવા મળ્યા હતા.

જૂનાગઢમાં દિવાળીના વેકેશનથી પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો. જેમાં બેસતા વર્ષે એટલે કે મંગળવારના દિવસે તમામ સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા. સાવજોના દર્શન સાથે અનેક પર્યટક સ્થળો પર પ્રવાસીઓ મન મૂકીને દિવાળી વેકેશનની મજા માણી રહ્યા છે. ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ દિવાળી વેકેશન માટે જૂનાગઢના નવાબી કાળના સક્કરબાગ ઝુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સાથે ચાર વર્ષ બાદ રીનોવેટ થઈ અને ખુલ્લુ મુકવામાં આવેલા ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમજ રોપવેની સફર કરી હતી, તમામ પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.

જુનાગઢ શહરમાં ચાર વર્ષ બાદ ઉપરકોટ કિલ્લો ખુલ્લો મુકાતા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. છેલ્લા પાંચ દિવસમાં ઉપરકોટના કિલ્લાની 10,000 થી વધુ લોકોએ મુલાકાત લીધી છે. રાણકદેવીનો મહેલ, અડીકડી વાવ સહિતના સ્થળોની મુલાકાત લઈને પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. સાથે ઉપરકોટમાં પ્રવાસીઓની વ્યવસ્થામાં વધારો કરાયો છે. જેમાં પાંચ જેટલા નવા ઈલેક્ટ્રીક વાહનો મૂકવામાં આવ્યાં છે જેમાં પણ મુસાફરો આખા ઉપરકોટ કિલ્લાને નિહાળી રહ્યા છે. પ્રવાસીઓનો ધસારો વધતા તંત્ર દ્વારા જુદા જુદા પોઇન્ટો ઊભા કરીને સિક્યુરિટીની વ્યવસ્થા પણ તૈનાત કરી છે. દિવાળી વેકેશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગુજરાત નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને મન મૂકીને વેકેશનની મજા માણી રહ્યા છે.

દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. જુનાગઢ આવનારા પ્રવાસીઓની પહેલી પસંદ ઉપરકોટ બન્યો છે. ઉપરકોટ કિલ્લામાં આવનારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ અહીં આવનાર પ્રવાસીઓ માટે અલગથી વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ માટે વધુ ઈ- રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.