Site icon Revoi.in

જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લિકકાંડ, પાંચ રાજ્યોમાં તપાસ માટે પોલીસ ટીમ રવાના, 16ની અટકાયત,

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરીવાર  પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે રવિવારે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા એકાએક રદ કરવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. પેપરલિકકાંડની સરકાર સામે ભારે ટીકા થઈ રહી છે. દરમિયાન આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અને 16 જેટલા યુવાનોની ધરપકડ કરીને પૂછતાછ કરવામાં આવી રહી છે. એટીએસએ  કલમ 420,406, અને120 બી હેઠળ ગુનો નોંધ્યો છે. પેપરલિક કાંડમાં ઓરિસ્સાનો પ્રદિપ નાયર મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. બારોટ નામના  એક યુવાનને 33 લાખની કેશ સાથે ઝડપી પાડ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

રાજ્યમાં જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના બનતા પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ્દ થતાં અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટ બસ સ્ટેન્ડમાં ઉમેદવારોનો જમાવડો થઈ ગયો છે અને ઠેર-ઠેર ઉમેદવારોના ટોળાં જોવા મળ્યા હતા. ઉમેદવારોને પરીક્ષા આપ્યા વિના જ ઘરે પરત જવાનો વારો આવતા આક્રોશ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ બસ સ્ટેન્ડમાં જ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. આ ઘટનાની પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી છે. પાંચ રાજ્યોમાં પોલીસ ટીમ રવાના કરવામાં આવી છે. દરમિયાન એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરાતા  9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કૌભાંડમાં તેલંગાણા, બિહાર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યુ છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે. વડોદરા ખાતે આવેલા એક ક્લાસિસમાં આ પેપર મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી પેપર કેટલાક ઉમેદવારો લેવા આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જેથી ગુજરાતી એટીએસે મોડી રાત્રે  વડોદરાના ક્લાસિસ પર દરોડા પાડ્યા હતા. જેમાં 10થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

પેપર લીકની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગજબ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલા બેનરોથી ઉમેદવારો અને એમનાં માતા-પિતા ફરી ભરોસો કરીને 99થી વધારીને 156 સીટો આપી. પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરૂ કરી દીધું!