કાબુલ, 20 જાન્યુઆરી 2026: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એકવાર બોમ્બ વિસ્ફોટથી ધ્રૂજી ઉઠી હતી. શહેરના અત્યંત સુરક્ષિત ગણાતા અને વીઆઈપી વિસ્તાર ‘શહર-એ-નવ’માં આવેલી એક હોટલમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના માર્યા ગયા હોવાના અને ઘાયલ થયાના અહેવાલો છે. જોકે, મૃતકો અને ઘાયલોનો ચોક્કસ આંકડો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જદરાને ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ શહર-એ-નવના કોમર્શિયલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર કાબુલના સૌથી વ્યસ્ત અને સુરક્ષિત વિસ્તારોમાં ગણાય છે, જ્યાં મોટી ઓફિસો, શોપિંગ કોમ્પ્લેક્સ અને અનેક વિદેશી દૂતાવાસો આવેલા છે. ધમાકા બાદ હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
અફઘાન ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ આ હુમલામાં અનેક લોકો જાનહાનિનો ભોગ બન્યા છે. ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિસ્ફોટ કઈ રીતે કરવામાં આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે. અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
આ પણ વાંચોઃ કાશ્મીરમાં 12,000 ફૂટની ઊંચાઈએ આતંકીઓએ બનાવેલું બંકર ભારતીય સૈન્યે ફુંકી માર્યું

