Site icon Revoi.in

ગામડાંમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા 600 એપ્રેન્ટિસને કામે લગાડાતા કચવાટ

Social Share

રાજકોટઃ તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ હવે જનજીવન પુનઃ થાળે પડી રહ્યુ છે. અને ઘણાબધા ગામડાંમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો, તેવા ગામોમાં વીજળી પુરવઠો રાબેતા મુજબ કરવા માટે સરકારના વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પાંચ દિવસ વિત્યા છતા ધારી સહિતના અનેક ગામોમાં અંધારાપટ્ટ છવાયા છે. ત્યારે જીઇબીના એપ્રેન્ટીસને પણ કામે લગાડી દેવામાં આવ્યા છે.જીઇબીના આ નિર્ણયથી એપ્રેન્ટીસમાં રોષની લાગણી છવાય ગયેલ છે. 600 જેટલા એપ્રેન્ટીસને વિવિધ તાલુકાઓ અને ગામોમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ તેઓને કોઇ સુવિધા પુરી નથી પાડવામાં આવી આથી આ એપ્રેન્ટીસ નિરાશ થયા છે.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓ પ્રભાવિત થયા હતા. આ વિસ્તારોમાં વીજ પોલ પણ ધરાશાયી થયા હતા. તેના લીધે વીજળી પુરવઠો ખારવાયો હતો. વીજળી પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે વીજ તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.જીઈબીના 600 જેટલા એપ્રેન્ટીસને વિવિધ તાલુકાઓ અને ગામોમાં મોકલવામાં આવ્યા છે એપ્રેન્ટીસને કોઇ માલ સામાન કે સાધન આપવામાં નથી આવ્યા તેમજ રહેવા જમવા કે પાણીની વ્યવસ્થા પણ નથી કરી આપી, કાયદેસર રીતે એપ્રેન્ટીસ તાલીમાર્થી છે તેઓ પાસે કામ લઇ શકાતુ નથી. તેમની પાસે કામ લેવામાં અકસ્માત સર્જાય તો તેના જવાબદાર કોણ? જેવા પ્રશ્ર્નો ઉદભવી રહ્યા છે.

આ એપ્રેન્ટીસ યુવાનો જીવના જોખમે કામ કરી રહ્યા છે. પરંતુ માત્ર સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. મુસાફરી ભથ્થુ મળવા પાત્ર નથી તેમજ કામગીરી દરમિયાન ઇજાગ્રસ્ત થાય કે બીમાર પડે તો મેડીકલ બીલ કાયદેસર મળવા પાત્ર નથી હાલ આ એપ્રેન્ટીસ ભગવાન ભરોસે છે. જીઇબીના આ નિર્ણયથી એપ્રેન્ટીસને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલીક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.