Site icon Revoi.in

કાંકરિયા લેકફ્રન્ટઃ લાંબા સમયગાળા બાદ અટલ એક્સપ્રેસ ફરી પાટા પણ દોડતી થઈ

Social Share

અમદાવાદ: શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં મનોરંજન માટે શરૂ કરવામાં આવેલી અટલ એક્સપ્રેસ લાંબા સમયથી બંધ હાલતમાં હતી. તંત્ર દ્વારા ટ્રેનના ટ્રેક બદલવાની કવાયત કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ હવે 3 વર્ષના લાંબા સમયગાળા બાદ ફરીથી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. લાખોના ખર્ચે અટલ એક્સપ્રેસના પાટા બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

રિક્રિએશન કમિટીના ચેરમેનએ જણાવ્યું હતું કે, કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ થયું ત્યારે અટલ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર લોકો કાંકરિયામાં આ ટ્રેનની મજા માણી રહ્યા છે. કાંકરિયાનું આખું પરિસર પાણીથી ધોવામાં આવે છે. તેના કારણે ટ્રેનના પાટા કટાઈ ગયા હતા. વર્ષ 2019 માં રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ટ્રેનના પાટા બદલવા માટે જણાવવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન જ કોરોના મહામારી આવી ગઈ હતી અને કાંકરિયા લેકફ્રન્ટનું કામ બંધ રાખવું પડ્યું હતું. ત્યાર બાદઆ ટ્રેનના પાટા બદલવાની કામગીરી કરવામાં આવી હતી. AMC દ્વારા રૂ. 50 લાખના ખર્ચે નવા પાટા લાવી તેને બદલવાની કામગીરી કરવામાં આવી હતી. કોરોના મહામારી બાદ પહેલીવાર શરૂ થયેલી ટ્રેનમાં એક જ દિવસમાં 2500 થી વધુ લોકોએ આ ટ્રેનની મજા માણી હતી.

જન્માષ્ટ્રમીના તહેવારોને લઈને કાંકરિયાની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં અટલ એક્સપ્રેસની મજા માણશે.