અમદાવાદઃ રાષ્ટ્રની સુરક્ષા કાજે વીરગતી પામેલા જવાનોના પરિવારોને જય જવાન નાગરીક સમિતિ સુરત અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે વરાછા ખાતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઓનલાઈન ઉપસ્થિતિમાં રૂ. 24 લાખની આર્થિક સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગ્રે રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સુરતથી જય જવાન નાગરિક સમિતિએ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી અનોખી પ્રેરણા પુરી પાડી છે. રાજયપાલએ ‘હદય નહીં વહ પથ્થર હૈ, જીસ મે સ્વદેશ કા પ્યાર નહી’ પંકિત દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ વીર સપૂતોની ભુમિ છે. જે રાષ્ટ્ર તેમના વીર સપૂતો અને શહિદોનુ સન્માન કરી જાણે છે તે રાષ્ટ્ર મહાન છે. રાજયપાલશ્રીએ સતત ૨૧ વર્ષથી કારગીલ વિજય દિને શહિદોના પરિવારજનોનું સન્માન અને ધનરાશીના સહયોગ દ્વારા જય જવાન નાગરિક સમિતિના રાષ્ટ્ર ચેતના જગાવનારા આ કાર્યક્રમને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા શહિદ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી સૌએ નાગરિક ધર્મ બજાવવો જોઈએ. રાજયપાલએ શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોના શ્રેય માટે કામના કરી હતી. આ સમારોહમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવી સંક્રમણનો ભોગ બનનારા આઠ જવાનોના પરિવારજનોનું પણ સન્માન કરાયું હતું.
દેશ માટે વીરગતિ પામેલા 17 વીર જવાનો પૈકી 6 જવાનોના પરિવારોને રૂ. 8 લાખની સહાય સન્માન સાથે અર્પણ કરવામાં આવી હતી. જયારે અન્ય 11 જવાનોના પરિવારોને રૂ. 13.50 લાખની સહાય સન્માન સાથે સુરતથી કાર્યકર્તાઓની ટીમે તેમના વતન ખાતે પહોચી સહાય અર્પણ કરી હતી. કોરોના સંકટ વેળાએ સુરતની પોલીસ સરાહનીય કામગીરી રહી હતી અને આ કોરોના જંગમાં 8 જવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારોનું આ કાર્યક્રમમાં સન્માન કરી એક – એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.