Site icon Revoi.in

કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની ગોળીમારીને હત્યા કરાઈ

Social Share

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરો દ્વારા નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો.

ભારતમાં શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ છે. ભૂતકાળમાં કેનેડાના બ્રામ્પટન શહેરમાં ખાલિસ્તાન પર થયેલા જનમત સંગ્રહમાં પણ શીખ ફોર જસ્ટિસ સંસ્થાનો હાથ હતો. NIAએ હરદીપ સિંહ નિજ્જર વિરુદ્ધ દેશમાં હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. વર્ષ 2022માં NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. ભારત સરકારે કેનેડા સરકારને નિજ્જર વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ પણ કરી હતી. દરમિયાન કેનેડામાં તેની ગોળીમારીને હત્યા કરવાની ઘટના સામે આવી છે.

છેલ્લા અઠવાડિયામાં બે મોટા ખાલિસ્તાની નેતાઓના મોત થયા છે. થોડા દિવસ પહેલા બ્રિટનમાં વધુ એક ખાલિસ્તાની નેતા અવતાર સિંહ ખાંડાનું મોત થયું હતું. અવતાર સિંહ ખાંડા ખાલિસ્તાન લિબરેશન ફોર્સના યુકે ચીફ હતા. મેડિકલ રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે અવતાર સિંહ ખાંડા બ્લડ કેન્સરથી પીડિત હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ફરી એકવાર ખાલીસ્તાની મુવમેન્ડ ઉભી થઈ છે. તેને ડામી દેવા માટે સરકારે કવાયત આરંભી છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ખાલિસ્તાનીઓ ભારતના વિરોધમાં દેખાવો કરતા હોવાની ઘટનાઓ તાજેતરમાં સામે આવી હતી.