Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં વરસાદના સમયાંતરે પડતા ઝાપટાંથી ખરીફ પાકને ફાયદો, ખેડુતોમાં ખૂશી

Social Share

અમરેલીઃ  જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડી રહ્યા છે. પ્રથમ વરસાદ બાદ જિલ્લામાં થયેલા ખરીફ વાવેતર પર વરસાદની તાતી જરુરિયાત હોય મેઘરાજાએ કાચા સોનારૂપી હેત વરસાવ્યું હતું. અમરેલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા.

અમરેલી જિલ્લામાં ગુરૂવારે સાવરકુંડલામાં બે ઈંચ, ખંભામાં એક ઈંચ, અને રાજુલામાં પોણો ઈંચ તેમજ બાકીના તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બુધવારે વડીયામાં બે ઈંચ વરસાદ વરસ્યા બાદ ગુરૂવારે પણ   વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. ત્યારે ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કર્યા બાદ સમગ્ર અમરેલી જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે વડીયા વિસ્તારમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. ગુરૂવારે ફરી અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલે જોર પકડ્યુ હતું. અને રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કુંકાવાવ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડવાના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. ઉપરાંત ધારી વિસ્તારમાં પણ સતત બીજા દિવસે વરસદનું આગમન થયું હતું. ધારીના ઝર, મોરઝર જેવા ગામડામાં વરસાદ ખાબક્યો હતો,અમરેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા ગોખરવાળા,ચાંદગઢ, લાપાળિયા, રાજસ્થળી, દેવળીયા, આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઠવી, શેલણા, વિરડી, નાલ જેવા વિસ્તારમાં વરસાદ પડતા ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા હતા. હાલ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડકા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં થયેલા વાવેતરને જીવનદાન મળ્યું છે. કેમ કે કેટલાક દિવસોથી અમરેલી જિલ્લામાં વરસદએ વિરામ લીધો હતો તેવા સમયે વરસાદ પડતા ઘણા અંશે રાહત મળી છે.