જો તમે દેવાધિદેવની કૃપાને પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે રુદ્રાક્ષની જ માળાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે, રુદ્રાક્ષ સ્વયં શિવાંશ મનાય છે. તે સ્વયં દેવાધિદેવના અશ્રુમાંથી જ પ્રગટ્યા છે. કહે છે કે રુદ્રાક્ષની માળાથી શિવ મંત્રનો જાપ કરવાથી મંત્રની શક્તિનો સંપૂર્ણ લાભ સાધકને પ્રાપ્ત થાય છે. અલબત્, રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં કેટલી વિશેષ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, માળા ઘરમાં લાવ્યા બાદ તેની વિધિસર પૂજા કરીને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
શુભ તિથિ અને સોમવારનો સંયોગ હોય ત્યારે જ રુદ્રાક્ષની માળાને ખરીદવી. તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે.માળા ઘરમાં લાવ્યા બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરવી. પંચોપચાર વિધિથી માળાની પૂજા કરવી. માળાને મંદાર પુષ્પ અર્પણ કરવા. મંદાર પુષ્પ ન હોય તો ઋતુ અનુસાર પુષ્પ અર્પણ કરવા. રુદ્રાક્ષ માળા આગળ ખીરનો ભોગ લગાવવો. આ પૂજનવિધિ બાદ જ્યારે પણ રુદ્રાક્ષની માળાથી મંત્રજાપ કરો ત્યારે પીળા આસનનો ઉપયોગ કરવો. કહે છે કે પીળા આસન પર રુદ્રાક્ષની માળાથી મંત્રજાપ કરવાથી મહાદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. અને રુદ્રાક્ષની માળા એક ‘રક્ષા કવચ’ સમાન કાર્ય કરે છે!
શિવજીના દરેક સ્વરૂપની આરાધના માટે ‘રુદ્રાક્ષ’ની જ માળાનો ઉપયોગ કરવો! મંત્રજાપ માટે પંચમુખી રુદ્રાક્ષની માળા લાભદાયી બની રહેશે. રુદ્રાક્ષની માળા જાપ કરનારના મનને શાંતિ આપે છે. રુદ્રાક્ષની માળા કાર્યને સિદ્ધ કરવામાં પણ મદદરૂપ બને છે. આ માળા તો સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી પણ મનાય છે !