અનહૅલ્ધી લાઇફસ્ટાઇલ અને અયોગ્ય ખાણી-પીણીને કારણે કેટલીયે સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ તાજેતરમાં ઝડપભેર વધી રહી છે. મસ્ક્યુલોસ્કેલેટલ પણ આવી જ એક સમસ્યા છે કે જે, લોકોને ઝડપથી પોતાના સકંજામાં લઇ રહી છે! વાસ્તવમાં, છેલ્લા 15 વર્ષોમાં ભારતના યુવાવર્ગ, ખાસ કરીને 30થી 40 ની વયના લોકોમાં, મસ્ક્યુલોસ્કેલેટલ ની તકલીફો વિશેષ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ એક એવી સ્થિતિ છે કે જેમાં, વ્યક્તિને એની માંસપેશીઓ, હાડકાં, સાંધા, લિગામેન્ટ્સ કે પછી ટેન્ડન(સ્નાયુબંધ)માં પીડા, સોજો અથવા નબળાઈનો અનુભવ થવા લાગે છે.
પ્રાપ્ત આંકડાનુસાર, પ્રત્યેક 5 માંથી 1 વ્યક્તિ મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમથી પીડિત છે. આ સમસ્યા ઉંમરલાયક જ નહિં પરંતુ, યુવાનો તથા ઑફિસમાં બેસીને કામ કરનારા પ્રોફેશનલ્સમાં પણ ઝડપભેર વધી રહી છે. ઘૂંટણ, ખભા અને નિતંબ અંગેના નિષ્ણાત સર્જન દ્વારા, રાષ્ટ્રીય અસ્થિ અને સાંધા દિવસ (National Bone and Joint Day) ના પરિપ્રેક્ષ્યમાં હાડકાં તથા સાંધાઓના સ્વાસ્થ્ય વિશે કેટલીક માહિતી આપવામાં આવી છે. હકીકતમાં, ‘નેશનલ બોન ઍન્ડ જોઈન્ટ ડે’ પ્રતિવર્ષ, આજરોજ 4 ઑગસ્ટે મનાવવામાં આવે છે. આ દિવસ, હાડકાં અને સાંધાના સ્વાસ્થ્યના મહત્વ અંગે જાગૃતિ વધારવા માટે મનાવવામાં આવે છે. ભારતમાં વર્ષ 2021 માં ભારતીય અસ્થિ રોગ સંઘ (IOA) દ્વારા એક અભિયાન શરુ કરવામાં આવ્યું હતુ, જેનો ઉદ્દેશ્ય, વિશેષ કરીને હાડકાં અને સાંધાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ તથા મસ્ક્યુલોસ્કેલેટલ વિકારોને અટકાવવાનો છે.
ડૉક્ટરે ચોંકાવનારા તથ્યો જણાવતા કહ્યું કે, એક દાયકા પહેલા હાડકાં તથા સાંધાની સમસ્યાઓને ઉંમર સાથે સાંકળીને જોવામાં આવતી હતી પરંતુ આજકાલ તો યુવાનો, ખાસ કરીને 30 થી 50 ની વયજૂથવાળા લોકોમાં સાંધાના રોગો, રમત-ગમત અને જીમ સંબંધી ઈજાઓમાં ભારે વૃદ્ધિ, નિતંબસંબંધી સિન્ડ્રોમના વધતા જતા મામલાઓની સાથોસાથ, અયોગ્ય ફિટનેસ રુટીન, ઈ- ગેઝેટ્સનો અતિશય ઉપયોગ તથા ઘરે બેસીને કામ કરવાની વ્યવસ્થા (Work from Home)ના કારણે વારંવાર ઉત્પન્ન થનારા તણાવ સંબંધી ઈજાઓથી ગ્રસિત થયેલા જોવા મળે છે. શહેરી વિસ્તારોના આરોગ્ય ક્લિનિકોમાં, નિતંબના ભાગે થતા પ્રાથમિક ઑસ્ટિયોઆર્થરાઇટિસ તથા ફેમોરો-એસિટાબ્યુલર ઈમ્પિંગમૅન્ટ (એફએઆઈ) જેવી તકલીફોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, 15 વર્ષ પહેલા તો એના વિશે કોઈએ સાંભળ્યું પણ ન હતુ!
લગભગ દર પાંચ માંથી એક ભારતીય, કોઈ ને કોઈ રીતે અસ્થિ-મજ્જાના વિકારો જેવા કે, ઑસ્ટિયોઆર્થરાઇટિસ, રુમેટોઇડ આર્થરાઇટિસ, ઑસ્ટિયોપોરોસિસ, લિગામેન્ટ અને મેનિસ્કસ ની ઈજાઓ, ફ્રોઝન શોલ્ડર, કમર દર્દ અને સ્લિપ ડિસ્ક થી પીડિત જોવા મળે છે. એમાં વળી ખાસ કરીને, ધૂંટણના સાંધાઓમાં થતો ઑસ્ટિયોઆર્થરાઇટિસ એક સામાન્ય સમસ્યા બની ચૂકી છે. 45 વર્ષથી વધુ વયના 22 થી 39% શહેરી પુખ્ત વ્યક્તિઓને આ રોગે પ્રભાવિત કર્યા છે. જ્યારે 50થી વધુ વયની મહિલાઓમાં, ખાસ કરીને રજોનિવૃત્તિ (મેનોપૉઝ) બાદ થતા હોર્મોનલ બદલાવને કારણે પુરુષોની સરખામણીએ આની વધુ અસરો જોવા મળે છે.
એક્સપર્ટના જણાવ્યાનુસાર, મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાથી બચાવ માટે, દરેક વ્યક્તિ નાની ઉંમરથી જ ઘણા ઉપાયો કરી શકે છે. એણે દરરોજ શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઇએ, જેમ કે 30-45 મિનિટ ટહેલવું, યોગ કરવો અથવા તો સ્વિમિંગ કરવું વગેરે વગેરે. નિયમિતરુપે શારીરિક વ્યાયામ કરવાથી સાંધાઓ અને માંસપેશીઓ તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત, આહારના માધ્યમથી કેલ્શિયમ તથા વિટામિન-ડી નું પર્યાપ્ત માત્રામાં સેવન કરવું અને વજન નિયંત્રિત રાખવું પણ અત્યંત જરુરી છે.

