Site icon Revoi.in

દેશમાં સૌથી સુરક્ષિત શહેર બન્યું કોલકાતા, પૂણે અને હૈદરાબાદ બીજા તથા ત્રીજા નંબર ઉપર

Social Share

નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર કોલકાતા ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. આ સાથે, કોલકત્તાને સતત ત્રીજા વર્ષે સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિ લાખ વસ્તીમાં સૌથી ઓછા કોગ્નિઝેબલ ગુના બન્યાં છે. NCRBના ડેટા અનુસાર, 2022માં પ્રતિ લાખ વસ્તી દીઠ 86.5 કોગ્નિઝેબલ ગુના નોંધાયા હતા. જ્યારે પુણેમાં 280.7 અને હૈદરાબાદમાં 299.2 કેસ નોંધાયા હતા. કોગ્નિઝેબલ ગુનાઓ તે છે જેના પર ભારતીય દંડ સંહિતા અને વિશેષ અને સ્થાનિક નિયમો હેઠળ કેસ નોંધવામાં આવે છે.

એનસીઆરબીના રિપોર્ટ અનુસાર, 2021માં કોલકાતામાં પ્રતિ લાખ વસ્તીએ 103.4 કોગ્નિઝેબલ ગુના નોંધાયા હતા. જ્યારે પુણેમાં 256.8 અને હૈદરાબાદમાં 259.9 કોગ્નિઝેબલ ગુના નોંધાયા હતા. 20 લાખની વસ્તીવાળા 19 શહેરોની સરખામણી કર્યા બાદ આ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોલકાતામાં મહિલાઓ વિરુદ્ધ અપરાધોમાં વધારો થયો છે. જ્યારે 2021 માં 1,783 કેસ હતા, તે 2022 માં વધીને 1,890 થયા. કોલકાતામાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ દર લાખની વસ્તી દીઠ 27.1 છે. ઈસ્ટર્ન મેટ્રોપોલિસના જણાવ્યા અનુસાર આ વર્ષે શહેરમાં હિંસક ગુનાઓમાં પણ ઘટાડો થયો છે. આ વર્ષે માત્ર 34 હત્યાના કેસ નોંધાયા છે. છેલ્લા 45 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે.