Site icon Revoi.in

રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કરાયો રણ ટંકાર, રૂપાલાની ટિકિટ રદ કરો,

Social Share

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યો છે. બીજીબાજુ ભાજપ રૂપાલાના મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આજે રવિવારે સાંજે યોજાયું હતું. જેમાં મોટી સંખ્યમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રણટંકાર કર્યો હતો, કે  રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં નહીં આવે તો 26 બેઠકો પર ક્ષત્રિયો ઓપરેશન રૂપાલા ચલાવશે. જમાનો બદલાયો પણ લોહી તો એ જ ક્ષત્રિયોનું છે.

રાજકોટ લોકસભાની બેકઠના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ સાથે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા. ગુજરાતના શહેરો અને ગામેગામથી વાહનો લઈને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. તેમજ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ સંમેલનમાં ભાગ લીધો હતો. લાખોની ભીડ વચ્ચે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું છે કે જો રૂપલાની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેમની સામે વોટ આપશે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે. ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. આવી સ્થિતિમાં આ વિવાદનો એક જ ઉપાય છે કે ભાજપે પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે જમાનો બદલાયો છે, લોહી એ જ છે.

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ મહાસંમેલન દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય મહિલા વક્તા તૃપ્તિ બાએ જણાવ્યું હતું કે, પુરૂષ સમાજ મહિલાઓના અપમાન પર ચૂપ રહ્યો નથી. તેમણે કહ્યું કે ભાજપમાં આંતરિક વિખવાદ હોય તો ભાજપ રાતોરાત મંત્રીમંડળ અને ઉમેદવારો બદલી નાખે છે, પરંતુ પક્ષનો કોઈ નેતા ક્ષત્રિય મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી કરે તો ઉમેદવાર કેમ બદલાતા નથી. તૃપ્તિ બાએ લાંબી લડાઈ કરી છે. તેથી, સંઘર્ષ માટે હિંમત જાળવી રાખવા અપિલ કરી હતી.

આ સંમેલનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રમુખ મહિપાલ મકરાણા પણ પહોંચ્યા હતા. મકરાણાએ કહ્યું કે આ તો એક નજારો છે.  ફિલ્મ તો હજું બાકી છે. હોળીના અવસરે પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મહારાજાઓએ અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારીને રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે. રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે રૂપાલાને ટિકિટ કેન્સલ કરાવવાથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી.