Site icon Revoi.in

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરના અભાવે OPDમાં આવતા દર્દીઓ પરેશાન

Social Share

ગાંધીનગરઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન ઓપીડીમાં સરેરાશ 2200 જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. તેમ છતાં દર્દીઓ માટે સ્ટ્રેચર કે વ્હિલચેરની સુવિધાઓ નહી મળવાથી સગાઓને દર્દીઓને ઉંચકીને લઇ જવાની ફરજ પડે છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખીને માળખાકિય તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઉપરાંત દર્દીઓને ચાલવામાં તકલીફ હોય તો તેના માટે વ્હિલચેર કે સ્ટ્રેચરની સગવડ પણ કરવામાં આવી છે.પરંતુ આયોજનના અભાવે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સારવાર માટે આવતા દર્દીઓ માટે વ્હિલચેર કે સ્ટ્રેચરની સુવિધા મળતી નથી. જેને પરિણામે દર્દીઓને ઉંચકીને તેના સગાઓને લઇ જવાની ફરજ પડી રહી છે. જોકે સિવિલ હોસ્પિટલની પાસે વ્હિલચેર કે સ્ટ્રેચર નથી તેવી સ્થિતિ નથી. પરંતુ યોગ્ય આયોજનના અભાવે ઓપીડી સારવાર માટે આવેલા વૃદ્ધ કે ઇજાગ્રસ્ત દર્દીઓને વ્હિલચેરની સુવિધા માટે વલખાં મારવા પડે છે. છેવટે દર્દીઓના સગાઓને વ્હિલચેર કે સ્ટ્રેચર નહી મળવાથી સગાઓ દ્વારા દર્દીઓને ઉંચકીને લઇ જવાની ફરજ પડી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પુરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવી છે. ઉપરાંત સલામતીના ભાગરૂપે સિક્યુરીટી સહિતનો સ્ટાફ ભરવામાં આવ્યો છે. તેમ છતાં ઓપીડી સારવાર માટે આવતા દર્દીઓને વ્હિલચેર કે સ્ટ્રેચર નહીં મળવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે રોગી કલ્યાણ સમિતિ માત્ર સરકારી ચોપડે જ દર્દીઓનું કલ્યાણ કરી રહી હોય તેમ સગાઓનએ દર્દીને ઉચકીને લઇ જવાની પડી રહેલી ફરજ પરથી લાગી રહ્યું છે. ત્યારે ઓપીડીના દર્દીઓ માટે વ્હિલચેર અને સ્ટ્રેચર મળી રહે તેવી કોઇ નક્કર વ્યવસ્થા કરવામાં આવે તેવી દર્દીઓના સગાઓમાં માંગ ઉઠી છે.