Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “મિશન મિલેટ્સ”નો પ્રારંભઃ મિલેટ્સની વિવિધ સ્વાદીષ્ટ વાનગીઓથી લોકો આકર્ષાયા

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકાર મિલેટ્સ એટલે કે ધાન્યના રોજિંદા ઉપયોગ પર ભાર મુકી રહ્યા છે અને યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને “મિલેટ્સ યર” જાહેર કર્યું છે. જેના પગલે ગુજરાતમાં પણ મિલેટ્સ અંગે જાગૃતિ અને તેના ઉપયોગ વધારવાના સહિયારા પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમ સાયન્સ વિભાગે વડાપ્રધાનની મિલેટ્સના ઉપયોગની અપીલને ઝીલીને, ‘‘મિશન મિલેટ્સ’’ની શરૂઆત કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં “મિશન મિલેટ્સ”નો કુલપતિ ડૉ. ગીરીશભાઈ ભીમાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડૉ. રેખાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અંતર્ગત અમારા વિભાગે આ મિશનનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમ કે, મિલેટ્સની વાનગીઓ બનાવતા શીખવવાના વિવિધ વર્કશોપ યોજાશે. કુકિંગ ટ્રેનિંગ સાથે મિલેટ્સની વિવિધ રેસીપીઝનું પ્રદર્શન, લેખ અને રીસર્ચ પેપર ઉપરાંત વિવિધ પ્રોત્સાહક અને વિસ્તરણ પ્રવૃત્તિઓ, વ્યાખ્યાન તથા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકજાગૃતિ, અધિકારીશ્રીના કુક કે ઓર્ડરલી મીલેટ રેસીપી શીખવીશું. આ ઉપરાંત મિલેટ્સ અંગે ડાયેટ પ્લાન બનાવવામાં તેમજ કન્સલ્ટેશનમાં મદદ કરીશું.

આ પ્રસંગે “બાળકોના લંચબોક્સ માટે મિલેટ્સ રેસીપી” થીમ સાથે યોજાયેલા વર્કશોપમાં બનાવેલી મિલેટ્સની વિવિધ વાનગીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં જુવારનો મિલ્ક શેક, સામાના અપ્પમ, રાજગરાનો શીરો અને જુવારનો શીરો, બાજરાના પુડલા સહિતની વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ તમામ વાનગીઓ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ દ્વારા જ તૈયાર કરાઈ હતી. સ્વાદ અને સ્વાસ્થ્યના સંગમ સમાન આ એવી વાનગીઓ હતી, જે લંચબોક્સમાં સરળતાથી પીરસી શકાય અને બાળકો પણ તેને હોંશે હોંશે આરોગે. મિશન મિલેટ અંતર્ગત મિલેટ્સનનો વધુમાં વધુ લોકો વપરાશ કરતા થાય, તે માટેના પ્રયત્નો અને પ્રવૃત્તિઓ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ દ્વારા કરવામાં આવશે.