Site icon Revoi.in

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થિનીઓ માટે “નમો લક્ષ્મી યોજના”નો પ્રારંભ

Social Share

ગાંધીનગરઃ   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

પ્રવક્તા  મંત્રીએ ઉમેર્યું હતું કે, ધોરણ-9 થી ધોરણ-12માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં મોટાભાગે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.

નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-9 અને ધોરણ-11ની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ-9 અને ધોરણ-11ની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રુચીમાં વધારો થાય તે હેતુસર ધોરણ-11 અને ધોરણ-12  વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઇ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 25000 ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે. (FILE PHOTO)

Exit mobile version