Site icon Revoi.in

હનુમાન જયંતિના મંદિરોમાં જામી મોટી ભીડ,મહાવીર હનુમાનજી વિશે જાણો કેટલીક વાત

Social Share

અયોધ્યાના રાજા શ્રી રામના ભક્ત તો દેશ-દુનિયામાં બધે જ છે અને કરોડોની સંખ્યામાં હશે. પણ શ્રી રામ ભગવાનના ભક્ત હનુમાનજીની જગ્યા તો કોઈ લઈ શકે નહીં. રામનવમી એટલે કે ભગવાન શ્રી રામના જન્મનો દિવસ અને તેના થોડા દિવસ પછી જે આવે તે હનુમાન જયંતિ, એટલે કે એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં શ્રી રામ – ત્યાં હનુમાન, અને જ્યાં પણ શ્રી રામ ભગવાનનું નામ લેવામાં આવતું હોય ત્યાં હનુમાનજીનો વાસ હોય જ.

હનુમાન જયંતિના દિવસે કરોડોની સંખ્યામાં લોકો હનુમાનજીના દર્શન માટે મંદિરોમાં પહોંચ્યા છે ત્યારે હનુમાનજી વિશે કેટલીક વાતો તેમના દરેક ભક્તને જાણ હોવી જોઈએ.

હિંદુ કેલેન્ડર અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂનમના દિવસે થયો હતો. માટે હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હનુમાનજી ભગવાન શિવના અંશ હતા. તેમના પિતા કેસરી અને માતા અંજના હતા. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેઓ ખૂબ જ તેજસ્વી, કાંતિમય, બુદ્ધિશાળી અને શક્તિશાળી હતા. જેમ જેમ તેઓ મોટો થયા તેમ તેમ તેમના તોફાન પણ વધતા ગયા. તેમના બાળપણ સાથે જોડાયેલી એક કથા છે, જેમાં તેમના મહાવીર બનવાનું વર્ણન છે.

પૌરાણિક કથા અનુસાર, એક દિવસ બાળ હનુમાન આંગણામાં રમી રહ્યા હતા, તે દરમિયાન તેમને ભૂખ લાગી. તેમણે ઊગતા સૂર્યને ફળ સમજ્યો. તેમણે એ તેજસ્વી લાલ રંગનું ફળ ખાવા માટે આકાશમાં છલાંગ લગાવી. તેઓ પવનની ઝડપે આકાશમાં ઉડવા લાગ્યા અને જોતજોતામાં સૂર્ય લોક પહોંચી ગયા.

સૂર્યદેવ પાસે પહોંચતા જ તેમણે તે ગળી જવા માટે મોં ખોલ્યું. આ જોઈ સૂર્યદેવ ત્યાંથી દોડવા લાગ્યા. હવે સૂર્યદેવ આગળ-આગળ અને બાલ હનુમાન તેમની પાછળ-પાછળ. આ જોઈને દેવરાજ ઈન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા.
સૂર્યદેવને બચાવવા માટે તેમણે હનુમાનજી પર વજ્રથી પ્રહાર કર્યો. પરિણામે બાળ હનુમાન પૃથ્વી પર પડ્યા. જ્યારે પવનદેવને આ વાતની ખબર પડી તો તેઓ ક્રોધિત અને દુઃખી થયા કારણ કે હનુમાનજી પવન પુત્ર પણ છે.

શોકાતુર પવનદેવ મૂર્છિત હનુમાનજી સાથે એક ગુફામાં ગયા અને ત્યાં તેમની મૂર્છા તૂટવાની રાહ જોવા લાગ્યા. બીજી તરફ પવન દેવતાની ગેરહાજરીથી પશુ-પક્ષીઓ અને મનુષ્યો બધા જ ત્રાહિમામ પોકારવા લાગ્યા. ધરતી પર હાહાકાર મચી ગયો. બીજી તરફ ઈન્દ્ર દેવને પણ ખબર પડી ગઈ હતી કે તેમણે જે બાળક પર હુમલો કર્યો હતો તે કોઈ સામાન્ય બાળક નથી. તે રુદ્રાવતાર હનુમાન છે.

વાયુદેવના દુઃખને દૂર કરવા અને પૃથ્વી પર વાયુના સંકટને દૂર કરવા ત્રિદેવ સાથે તે ગુફામાં તમામ મુખ્ય દેવતાઓ પ્રગટ થયા હતા. ત્યાં બધા દેવતાઓને રુદ્રાવતાર હનુમાનજી વિશે ખબર પડી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત તમામ દેવતાઓએ હનુમાનજીને તેમની દૈવી શક્તિઓથી સજ્જ કર્યા.

હનુમાનજીને શિક્ષા આપવાની જવાબદારી સૂર્યદેવે લીધી. બાદમાં તેઓ હનુમાનજીના ગુરુ બન્યા. આ રીતે તમામ દેવતાઓની શક્તિઓના મિલનથી પવનપુત્ર મહાવીર હનુમાન બન્યા, જેને ભગવાન શ્રી રામના સંકટમોચન કહેવામાં આવે છે.