Site icon Revoi.in

ગુજરાતમાં 101 તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા, ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી

Social Share

અમદાવાદઃ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ રવિવારે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા સહિતના જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. રાજ્યના કૂલ 101 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદના ઝાપટાં પડી શકે છે.  અમદાવાદમાં પણ રવિવારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના SG હાઈવે, થલતેજ, બોપલ, મકરબા, સરખેજ, સેટેલાઈટ, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. અને કામઅર્થે બહાર નીકળેલા લોકોને ભીંજાવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં થંડર સ્ટોમ એક્ટિવિટી જોવા મળી હતી.

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે સવારથી વડોદરામાં વરસાદનો પ્રારંભ થયો હતો. આચાનક વરસાદ શરૂ થતા વાહનચાલકો અટવાઈ ગયા હતા. અસહ્ય બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે સુરતમાં રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદે છેલ્લા થોડા સમયથી વિરામ લીધો હતો. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણ ઘેરાયું હતું. અને બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇ શહેરમાં ઠંડક પ્રસરી હતી અને ભારે ઉકાળાટથી લોકોને રાહત મળી હતી

બનાસકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. રવિવારે સવારથી ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ઈકબાલગઢ, આંબાપાણી, જાંજરવા ગોળીયા સહીત ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ હેત વરસાવતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.