Site icon Revoi.in

રેલવે ટ્રેક પર વીજળીનો જીવતો વાયર પડ્યો, જાણ થતાં જ ભાવનગર-ઓખા ટ્રેનને રોકી દેવાઈ

Social Share

ભાવનગર :  રેલવેના કર્મચારીની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ઘટતી રહી ગઈ હતી. ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાત્રિના 10:15 કલાકે રેલવે ટર્મિનલથી ઉપડતી ભાવનગર-ઓખા ટ્રેનને મોટી દુર્ઘટનામાંથી ઉગારી લેવાઈ હતી. ધોળા-સણોસરા વચ્ચે ટ્રેક પર વીજળીનો વાયર તૂટીને પડ્યો હતો. અને આ જીવંત વાયર હોવાથી ટ્રેન ટ્રેક પરથી પસાર થાત તો મોટી દુર્ધટના સર્જાવવાની શક્યતા હતી. આ ટ્રેક પર વીજ વાયર તૂટીને પડ્યો હોવાની એક રેલવેના કર્મચારીને માહિતી મળતા જ ટ્રેનના પાયલોટને જાણ કરીને ટ્રેનને આગળ વધતા રોકી લીધી હતી. જેના કારણે હજારો મુસાફરોના જીવ બચી ગયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભાવનગરના રેલવે કર્મચારીને સણોસરા-ધોળા રેલવે ટ્રેક પર ત્યાંથી પસાર થતી ધોળા-પીપવાવ OHE ઇલેક્ટ્રિક ટ્રેન લાઇનનો જીવતો વાયર તૂટીને ટ્રેક પર પડ્યો હોવાની માહિતી મળતા ટ્રેનના પાયલોટને જાણ કરવામાં આવી હતી. જેના કારણે સમય સૂચકતા વાપરી ટ્રેનને સણોસરા નજીક રોકી દેવાઈ હતી.

ભાવનગરથી ઓખા જવા માટે રાત્રિના 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડી રાત્રે 11:15 આસપાસ આ ટ્રેન ધોળા પહોચે છે. પરંતુ ટ્રેનના ટ્રેક પર જીવતો વીજ વાયર પડ્યો હોવાની રેલ કર્મચારીઓને માહિતી મળતા ટ્રેન ધોળા પહોંચે એ પહેલા તાકીદે સમય સુચકતા વાપરી ટ્રેનને સણોસરા નજીક રોકી લેવામાં આવી હતી, જેના કારણે હજારો મુસાફરોના જીવ બચી ગયા હતા. ટ્રેક પર જીવતો વીજ વાયર પડ્યો હોવાની માહિતી ન મળી હોત અને ટ્રેન ત્યાંથી પસાર થઈ હોત તો સૌથી મોટી દુર્ઘટના સર્જાવવાની શક્યતા હતી. રેલવે કર્મચારીઓની સાવધનીના કારણે આ દુર્ઘટના બનતા અટકી ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ધોળા સુધી ઇલેક્ટ્રિક ટ્રેક તૈયાર થઈ ગયો છે જેને ભાવનગર ટર્મિનસ સુધી લંબાવવાની કામગીરી હાલ ચાલુ છે. જ્યારે ધોળાથી પીપાવાવ સુધી ઇલેક્ટ્રિક ટ્રેક તૈયાર છે, જેના કારણે આ લાઈન કાર્યરત છે. ઇલેક્ટ્રિક ટ્રેનને દોડાવવા માટે 25 હજાર મેગા વોટના DC પાવરની જરૂરિયાત હોય છે. ધોળા-પીપવાવ OHE ઇલેક્ટ્રિક ટ્રેન લાઇનનો જે જીવતો વાયર તૂટીને ટ્રેક પર પડ્યો એ અન્ય ટ્રેનના સંપર્કમાં આવે તો 25 હજાર મેગા વોટનો ઝટકો લાગી શકે છે. ટ્રેન પસાર થવામાં જો પાંચ મિનિટની ચૂક થઈ હોત તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાય હોત. આ પ્રકારની વીજ લાઈન તૂટી પડવી અશક્ય છે, કોઈ આવારા તત્વો દ્વારા કોઈ નુકસાન કરવા કે વાયરની ચોરી કરવાના ઇરાદે વાયર તોડી પાડવામાં આવ્યો હોય એવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ બનાવની રાત્રિ દરમિયાન જાણ થતાની સાથે જ રેલવેનો ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક ધોરણે જીવતા વીજ વાયરને ટ્રેક પરથી હટાવી ભાવનગર ઓખા ટ્રેનને પસાર કરી દેવાઈ હતી.  ધોળા-ભાવનગર રેલવેના અધિકારીઓ ત્યાં સ્થળ પર પહોંચી વાયરના પુનઃ જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ વાયર શા કારણે તૂટ્યો તે અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. (file photo)