Site icon Revoi.in

પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહને ત્યાં EDના દરોડામાં કુબેરનો ખજાનો મળ્યો, રોકડની સાથે હથિયારો મળ્યાં

Social Share

નવી દિલ્હીઃ આઈએનએલડીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના નિવાસસ્થાન ઉપર ઈડીની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીને દિલબાગ સિંહના ઘરમાંથી કુબેરનો ખજાનો હાથ લાગ્યો છે. નોટોના બંડલની સાથે વિદેશી હથિયાર, ત્રણ સોથી વધારે કારતુસ, અને 100થી વધારે વિદેશી દારુની બોટલો મળી હતી. ભારત અને વિદેશમાં અનેક સ્થળો ઉપર સંપતિ સહિતની અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલબાગ સિંહની સામે મની લોન્ડ્રીંગ કેસમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ ગેરકાયદે ખનનથી મળેલી રકમ મામલે હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને પૂર્વ ઈનેલો ધારાસભ્ય દિલબાગ સિંહ અને અન્ય સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીના દરોડામાં ચારથી પાંચ કિલો સોનું તથા ભારત અને વિદેશમાં સંપતિના સંબંધિત દસ્તાવેજ મળી આવ્યા હતા.

ઈડીએ યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંદીગઢ અને કરનાલમાં બંને નેતાઓના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળ સહિત 20 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ પ્રકરણમાં હરિયાણા પોલીસ દ્વારા કથિત ખનન મામલે તપાસ બાદ ફરિયાદ નોંધી હતી. કેન્દ્રીય એજન્સી ઈ-રાવણ યોજનામાં કથિત ગેરરીતીની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં મની લોન્ડરિંગ સહિતના ગંભીર ગુનાઓને અટકાવવા માટે કેન્દ્રીય એજન્સીઓએ અભિયાન શરુ કર્યું છે.