Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કાના મતદાનને લઈને પ્રચાર પડઘમ શાંત થયાં

Social Share

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થયાં હતા. શનિવાર, 25 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થશે. આ વિસ્તારોમાં બિહારની 8 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7 બેઠકો, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કુલ 889 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

દિલ્હીની સાતેય લોકસભા સીટો પર શનિવારે ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષોએ રોડ શો, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ભાજપના નેતાઓ રાજનાથ સિંહ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની પણ સક્રિય પ્રચાર કરી રહ્યા હતા જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગોલપુરી અને સીમાપુરીમાં જાહેર સભાઓને સંબોધશે. આ ઉપરાંત આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલી અને સભાઓને સંબોધિત કરી હતી.

દિલ્હીમાં મુકાબલો મુખ્યત્વે ભાજપ અને AAP-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે. ભાજપ તમામ સાત બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે AAP ચાર અને કોંગ્રેસ ત્રણ પર ચૂંટણી લડી રહી છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ સાત બેઠકો જીતી હતી અને આ સફળતાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજધાનીમાં ભાજપના વર્ચસ્વને પડકારવા માટે કોંગ્રેસ અને AAP પણ સખત મહેનત કરી રહ્યા છે.